આયરલેન્ડે 139/7નો સ્કોર કર્યો જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 6.5 ઓવરમાં 47/2 રન બનાવ્યા, આ પછી વરસાદ પડ્યો અને આગળની રમત થઈ શકી નહીં
પોર્ટબ્લેર
ભારત અને આયરલેન્ડ વચ્ચેની ટી20 સિરીઝની પ્રથમ મેચ ડકવર્થ-લુઈસ પદ્ધતિ હેઠળ ભારતે બે રને જીતી લીધી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આયરલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 139/7નો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 6.5 ઓવરમાં 47/2 રન બનાવ્યા હતા. આ પછી વરસાદ પડ્યો અને આગળની રમત થઈ શકી નહીં. અમ્પાયરોએ ભારતીય ટીમને ડકવર્થ-લુઈસ પદ્ધતિ હેઠળ વિજેતા જાહેર કરી હતી.
બુમરાહે મેચની પહેલી જ ઓવરમાં બે વિકેટ લઈને આયરલેન્ડની શરૂઆત બગાડી હતી. માત્ર બુમરાહ જ નહીં, પરંતુ ઈજા બાદ પરત ફરેલા અને પોતાની પ્રથમ ટી20 ઈન્ટરનેશનલ રમી રહેલા પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ બે વિકેટ લઈને જોરદાર પ્રદર્શન કર્યું હતું. પ્રસિદ્ધે પણ પ્રથમ ઓવરમાં જ વિકેટ લીધી હતી. આ છતાં બેરી મૈકાર્થીએ અણનમ 51 રન બનાવ્યા અને આયરલેન્ડે 20 ઓવરમાં સાત વિકેટે 139 રન બનાવ્યા. બુમરાહે 24 રનમાં બે વિકેટ લીધી હતી. તેણે ઇનિંગ્સની 19મી ઓવરમાં માત્ર 1 રન આપ્યો હતો. રિંકુ સિંહે પણ ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તેને બેટિંગ કરવાની તક મળી ન હતી.
આયરલેન્ડની મુશ્કેલીઓ ત્યાં જ સમાપ્ત ન થઇ હતી. ડોકરેલ (1) અને માર્ક અડેયર (16) આઉટ થતાં આયરલેન્ડની 59 રનના સ્કોર પર 6 વિકેટ પડી ગઈ હતી. ત્યારબાદ કર્ટિસ કેમ્ફર અને બેરી મૈકાર્થીએ 44 બોલમાં 57 રનની ભાગીદારી કરીને આયરલેન્ડને 100ની પાર પહોંચાડી હતી. અર્શદીપે કેમ્ફરને બોલ્ડ કરીને આ ભાગીદારીને તોડી હતી. કેમ્ફરે 33 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. મૈકાર્થી 33 બોલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 51 રન બનાવીને અણનમ રહ્યો હતો.
140 રનના લક્ષ્યનો પીછો કરતા યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડે ભારતને સારી શરૂઆત અપાવી હતી. બંને બેટ્સમેનોએ 38 બોલમાં 46 રનની ભાગીદારી કરી હતી, પરંતુ ક્રેગ યંગે પ્રથમ 23 બોલમાં 24 રન બનાવનાર યશસ્વી અને તેની પહેલી જ ઓવરમાં તિલક વર્મા (0)ને આઉટ કર્યા હતા. વરસાદના કારણે રમત બંધ થઈ ત્યારે ગાયકવાડ 16 બોલમાં 19 અને સંજુ સેમસન 1 રને અણનમ હતા. આગળની રમત થઈ શકી નહીં અને ભારત મેચ જીતી ગયું હતું.