જસપ્રીતે રોહિત શર્મા અને વિરાટ કોહલીની લિસ્ટમાં જગ્યા બનાવી લીધી
પોર્ટબ્લેર
ભારતે ટી20 સિરીઝની પ્રથમ મેચમાં આયરલેન્ડને 2 રને હરાવ્યું હતું. આ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. તેથી ડકવર્થ લુઈસ નિયમથી ભારતને જીત મળી હતી. આ મેચમાં કેપ્ટન જસપ્રીત બુમરાહના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયો હતો. તેણે રોહિત શર્મા અને વિરાટ કોહલીની લિસ્ટમાં જગ્યા બનાવી લીધી છે. આ મેચ માટે બુમરાહને ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. બુમરાહ ઈજાના કારણે લાંબા સમયથી ટીમની બહાર હતો. પરંતુ તેણે પરત ફર્યા બાદ અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. ફેન્સે પણ સોશ્યલ મીડિયા પર બુમરાહની બોલિંગની પ્રશંસા કરી હતી.
જસ્પ્રીત બુમરાહ ટી20 ફોર્મેટમાં કેપ્ટન તરીકે ‘પ્લેયર ઓફ ધ મેચ’ જીતનારો ભારતીય ખેલાડી બની ગયો છે. બુમરાહ પહેલા રોહિત, કોહલી અને સુરેશ રૈના આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. ભારતીય ખેલાડીઓની લિસ્ટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ જીતવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. તેણે 5 ટાઇટલ જીત્યા છે. કોહલી બીજા નંબર પર છે. તેણે 3 ટાઇટલ જીત્યા છે. બુમરાહ અને રૈનાએ એક-એક વખત આ એવોર્ડ જીત્યો છે.
આયરલેન્ડે પ્રથમ ટી20 મેચમાં 7 વિકેટ ગુમાવીને 139 રન બનાવ્યા હતા. આ દરમિયાન બુમરાહે જબરદસ્ત બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ લીધી હતી. પ્રસિદ્ધ કૃષ્ણા અને રવિ બિશ્નોઈએ પણ બે-બે વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહને એક વિકેટ મળી હતી. જવાબમાં ભારતે 6.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 47 રન બનાવ્યા હતા. આ પછી વરસાદ શરૂ થયો. જેના કારણે મેચ સંપૂર્ણ રીતે રમાઈ શકી ન હતી. વરસાદને કારણે ડકવર્થ-લુઈસ નિયમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હિસાબે ભારતને ટાર્ગેટ મેળવવાનો હતો. પરંતુ ભારત લક્ષ્ય કરતાં 2 રન આગળ હતું. આથી તે 2 રનથી જીત્યો હતો.