આ મામલામાં આરોપ નક્કી કરવામાં આવ્યા હતા અને ટ્રમ્પ સહિત તમામ આરોપીઓને 25 ઓગસ્ટ સુધીમાં આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો
વોશિંગ્ટન
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી પરિણામોના સંદર્ભમાં આવતા અઠવાડિયે ફુલટન કાઉન્ટી જેલમાં આત્મસમર્પણ કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય 18 આરોપીઓ પર 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન જ્યોર્જિયા ચૂંટણી પરિણામોને પલટાવવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. સોમવારે આ મામલામાં આરોપ નક્કી કરવામાં આવ્યા હતા અને ટ્રમ્પ સહિત તમામ આરોપીઓને 25 ઓગસ્ટ સુધીમાં આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આગામી વર્ષે યોજાનારી યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ મુખ્ય ઉમેદવાર છે. રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રથમ ચર્ચા બુધવારે થવાની છે. હવે જ્યોર્જિયા ચૂંટણી પરિણામોને પલટાવવાના મામલામાં આત્મસમર્પણને કારણે ટ્રમ્પ આ પ્રથમ ચર્ચામાં ભાગ લઈ શકશે નહીં. એવા અહેવાલો છે કે ચર્ચામાં ભાગ લેવાને બદલે ટ્રમ્પ ઓનલાઈન ઈન્ટરવ્યુમાં હાજરી આપી શકે છે. જોકે હજુ સુધી કંઈ નક્કી થયું નથી.
ડોનાલ્ડ ટ્રમ્પની સામે ઘણા મામલા નોંધાવાને કારણે મુશ્કેલીઓ સતત વધી રહી છે. ટ્રમ્પ ચાર ક્રિમિનલ કેસનો સામનો કરી રહ્યા છે અને આ કેસોમાં તેમના પર કુલ 91 આરોપ છે. જ્યોર્જિયા કેસમાં, ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે જ્યોર્જિયાના ટોચના ચૂંટણી અધિકારીને ફોન કરીને ચૂંટણી પરિણામોને પલટાવવા માટે પૂરતા મતો શોધવા સૂચના આપી હતી, પરંતુ ચૂંટણી અધિકારીએ તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. ટ્રમ્પ અને તેમના 18 સહયોગીઓ પર જ્યોર્જિયાના રેકેટિયરિંગ ઈન્ફલ્યુએન્સ્ડ એન્ડ કરપ્ટ ઓર્ગેનાઈઝેશન એક્ટના કથિત ઉલ્લંઘન માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કેસમાં ટ્રમ્પ અને તેમના સહયોગીઓને દોષિત ઠરવા પર વધુમાં વધુ 20 વર્ષની જેલની સજા થઈ શકે છે.