એરલાઇન્સ કંપનીઓએ કોલકાતાથી દક્ષિણ ભારતના ભુવનેશ્વર, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, બેંગલુરુ, ચેન્નઈ, કોચ્ચિ જેવા શહેરોના ભાડા વધારી દેવાયા
નવી દિલ્હી
ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ સરકાર દ્વારા કડક નિર્દેશ આપવા છતાં એરલાઇન્સ કંપનીઓએ કોલકાતાથી દક્ષિણ ભારતના ભુવનેશ્વર, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, બેંગલુરુ, ચેન્નઈ, કોચ્ચિ જેવા શહેરોના ભાડામાં બમણો વધારો ઝિંકી દીધો. મુસાફરોનું કહેવું છે કે ટ્રેન દુર્ઘટનાના સમાચાર ફેલાતાની સાથે જ એરલાઈન્સે આ શહેરોની ફ્લાઈટના ભાડામાં વધારો કરવાનું શરૂ કરી દીધું હતું, કારણ કે ટ્રેનના રૂટને અસર થવાને કારણે લોકોએ ફ્લાઈટ શોધવાનું શરૂ કર્યું હતું.
કોલકાતાથી ભુવનેશ્વરનું ભાડું જે અગાઉ 6,000-7,000 રૂપિયાની આસપાસ હતું તે શનિવાર અને રવિવારે વધીને 12,000-15,000 રૂપિયા થઈ ગયું હતું. એ જ રીતે વિશાખાપટ્ટનમનું ભાડું શુક્રવાર સાંજ સુધી રૂ. 5,000-6,000 હતું, જે શનિવારે વધીને રૂ. 14,000-16,000 થયું હતું. રવિવારે ત્યાંની ડાયરેક્ટ ફ્લાઈટનું ભાડું 18 હજાર સુધી પહોંચી ગયું હતું. કોલકાતા-હૈદરાબાદ માટે 6,000 રૂપિયાથી શરૂ થતા ભાડા વધીને 18,000 રૂપિયા થઈ ગયા હતા. સોમવારે કોલકાતાથી હૈદરાબાદની નોન-સ્ટોપ ફ્લાઈટનું મિનિમમ ભાડું 15,000 રૂપિયા હતું. સોમવારે કોલકાતાથી ચેન્નઈનું ભાડું લગભગ 20 હજાર રૂપિયા હતું.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શનિવારે તમામ એરલાઈન્સને ભાડામાં અસાધારણ વધારા પર નજર રાખવા અને તે ન થાય તે માટે પગલાં લેવા કડક સૂચનાઓ જારી કરી હતી.