અધિકારીનો ત્રણ મહિના પહેલાનો પત્ર વાયરલ થઈ રહ્યો છે ત્યારે રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ પોતે તેમની સાથે વાત કરીને સ્થિતિનો તાગ મેળવવા પહોંચી ગયા
બાલાસોર
બાલાસોરની જેમ 2014ની ગોરખધામ એક્સપ્રેસનો અકસ્માત હોય કે પછી 2018માં હરચુંદપુરમાં ન્યૂ ફરક્કા એક્સપ્રેસની દુર્ઘટના. આ દુર્ઘટનાઓની તપાસ બાદ રેલવે સુરક્ષા કમિશનરે ફુલપ્રૂફ સિગ્નલ વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા હતા. રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ ત્રણ મહિના પહેલાથી જ બોર્ડને પત્ર લખીને કોઈ દુર્ઘટનાની આશંકા વ્યક્ત કરતાં તાત્કાલિક સુધારાની વાત કહી હતી પણ તેની અવગણના કરી દેવામાં આવી.
હવે તે અધિકારીનો ત્રણ મહિના પહેલાનો પત્ર વાયરલ થઈ રહ્યો છે ત્યારે રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ પોતે તેમની સાથે વાત કરીને સ્થિતિનો તાગ મેળવવા પહોંચી ગયા છે. ભારતીય રેલવે પરિવહન મેનેજમેન્ટ સંસ્થાના મહાનિર્દેશક હરિશંકર વર્મા આશરે 3 વર્ષ સુધી દક્ષિણ પશ્ચિમ રેલવેમાં ફરજ બજાવી ચૂક્યા છે. હરિશંકર વર્મા જ્યારે ત્યાં પ્રિન્સિપાલ ચીફ ઓપરેશનલ મેનેજર બન્યા તો તેમની સામે ટ્રેન ખોટી લાઈન પર જતી રહી હોવાના અનેક મામલા સામે આવ્યા હતા.
પહેલા સ્ટેશન માસ્ટરને ચાર્જશીટ જારી કરાઈ. પછી તે ખુદ જ સ્ટેશનોની નોન ઈન્ટરલોકિંગની તપાસ માટે પહોંચી ગયા. ગત 8 ફેબ્રુઆરીએ બેંગ્લુરુ-નવી દિલ્હી સંપર્કક્રાંતિ એક્સપ્રેસ મેન લાઈનનો સિગ્નલ આપવા છતાં ખોટા ટ્રેક પર લોકો પાયલટની સતર્કતાથી જતા જતા બચી ગઈ. હરિશંકર વર્માએ ઈન્ટરલોકિંગ માટે બનાવેલી સિસ્ટમને બાયપાસ કરી લોકેશન બોક્સમાં થયેલી છેડછાડનો મામલો પકડ્યો અને રેલવે બોર્ડને તેના પર તાત્કાલિક રોક લગાવવા પત્ર લખ્યો. તેમના પત્ર પછી પણ બોર્ડે એલર્ટ જાહેર ન કર્યું અને બાલેશ્વરની દુર્ઘટના સર્જાઈ.