આઇટીટીએફ વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ માટેની ભારતીય ટીમમાં ત્રણ ગુજરાતીનો સમાવેશ
ગાંધીધામ
ગુજરાતના ત્રણ સ્ટાર પેડલર માનવ ઠક્કર, માનુષ શાહ અને હરમિત દેસાઈનો આઇટીટીએફ વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ફાઇનલ્સ 2025 માટેની ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 17થી 25મી મે દરમિયાન કતારના દોહા ખાતે યોજાનારી આ ચેમ્પિયનશિપમાં આ ત્રણ ખેલાડીઓ ભારતને સફળતા અપાવવા તથા શાનદાર પ્રદર્શન કરવા માટે આતુર છે જ્યાં વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ સામે તેમનો મુકાબલો થશે.

આ મેગા ઇવેન્ટમાં પાંચ ઇવેન્ટ યોજાશે જેમાં મેન્સ સિંગલ્સ, વિમેન્સ સિંગલ્સ, મેન્સ ડબલ્સ, વિમેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સનો સમાવેશ થાય છે. વડોદરાનો માનુષ શાહ આ તમામમાં સૌથી વ્યસ્ત ખેલાડી રહેશે કેમ કે તે મેન્સ સિંગલ્સ, મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં ભાગ લેનારો છે. તે માનવ સાથે મેન્સ ડબલ્સ અને દિયા ચિતાલે સાથે મિક્સ ડબલ્સમાં જોડી બનાવીને રમશે.


વિશ્વ ક્રમાંકમાં ભારતનો મોખરાનો ખેલાડી માનવ ઠક્કર (49મો ક્રમ) આ ઇવેન્ટમાં તિમોથી ચોઈ સામેની મેન્સ સિંગલ્સની રાઉન્ડ ઓફ 128ની મેચ સાથે પોતાના અભિયાનનો પ્રારંભ કરશે જ્યારે માનુષ (72મો ક્રમાંક) પોર્ટુગલના તિયાગો અપોલોનિયા સામે રાઉન્ડ ઓફ 128ની મેચ રમશે.
મેન્સ ડબલ્સમાં આઠમા ક્રમના માનવ અને માનુષની જોડી સ્લોવેનિયાની બિનક્રમાંકિત જોડી પીટર હ્રિબર અને ડેની કોઝુલ સામે રાઉન્ડ ઓફ 64ની મેચમાં ટકરાશે. માનવ અને માનુષ વિશ્વમાં નવમા ક્રમે છે અને આ ચેમ્પિયનશિપમાં તેમની પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા રખાય છે.
ગુજરાતનો અન્ય સ્ટાર ખેલાડી હરમિત દેસાઈ આ વખતે જી. સાથિયાન સાથે મળીને પોલેન્ડના મેસિએજ કોલોઝીયેઝ્ક અને મોલ્ડોવન ખેલાડી વ્લાદિસ્લાવ ઉર્સૂ સામે રાઉન્ડ ઓફ 64ના આસાન મુકાબલામાં રમશે.
મેન્સ ડબલ્સમાં ડાબોડી ખેલાડી માનુષ અને દિયા (નવમો ક્રમાંક) અલ્જિરિયાના મહેદી બોલોઉસ્સા અને માલિસ્સા નાસરી સામે ટકરાશે જ્યારે 14મા ક્રમના અને સુરતના ગૌરવ સમાન હરમિત દેસાઈ અને યશસ્વિની ઘોરપાડેની જોડી ફ્રાન્સના થિબોલ્ટ પોરેટ અને લિના હોચાર્ટની બિનક્રમાંકિત જોડી સામે રમીને તેમના મિક્સ ડબલ્સ અભિયાનનો પ્રારંભ કરશે.
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના પ્રમુખ પ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાતના ખેલાડીઓના ભવ્ય પ્રદર્શનનો તેમને વિશ્વાસ છે.
ભારતીય ટીમઃ મેન્સ સિંગલ્સઃ 1. માનવ ઠક્કર, 2. માનુષ શાહ, 3. જી. સાથિયાન, 4. અંકુર ભટ્ટાચાર્યજી. વિમેન્સ સિંગલ્સઃ 1. શ્રીજા અકુલા, 2. મણિકા બત્રા, 3. દિયા ચિતાલે, 4. યશસ્વિની ઘોરપાડે. મેન્સ ડબલ્સઃ 1. માનવ/માનુષ. 2. હરમિત/સાથિયાન. વિમેન્સ ડબલ્સઃ 1. અહિકા/સુતિર્થા. 2. દિયા/યશસ્વિની. મિક્સ ડબલ્સઃ માનુષ/દિયા. 2. હરમિત/યશસ્વિની.