કુસલ મેન્ડિસે હસતા હસતા આ જવાબ આપ્યો હતો પરંતુ ફેન્સને તેનો આ જવાબ બિલ્કુલ પસંદ ન આવ્યો અને સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે
નવી દિલ્હી
આઈસીસી વર્લ્ડ કપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમ વિજય રથ પર સવાર છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ આ વર્લ્ડ કપની સૌથી ધરખમ મનાતી અને પોઈન્ટ ટેબલ પર બીજુ સ્થાન ધરાવતી સાઉથ આફ્રિકાને 243 રનથી પરાજય આપ્યો હતો. આ વર્લ્ડ કપમાં મોટો સ્કોર બનાવવામાં માહિર સાઉથ આફ્રિકાની ટીમ ભારતીય બોલરોની આક્રમક બોલિંગ સામે માત્ર 83 રનમાં જ ખખડી ગઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાની 49મી વન-ડે ઈન્ટરનેશનલ સદી ફટકારી હતી. વિરાટ કોહલી 5મી નવેમ્બરે પોતાનો 35મો જન્મદિવસ પણ ઉજવી રહ્યો હતો અને તેણે પોતાને જ 49મી વન-ડે સદી ભેટ કરી હતી. આ રીતે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે વિરાટ કોહલીએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. આઈસીસી વર્લ્ડ કપ 2023માં આજે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો છે અને આ મેચ પહેલા કુસલ મેન્ડિસે શ્રીલંકા તરફથી પ્રિ મેચ પ્રેસ કોન્ફરન્સ અટેન્ડ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેને વિરાટ વિશે એક સવાલ પૂછવામાં આવ્યો હતો જેનો તેણે એવો જવાબ આપ્યો કે ચાહકો ભડકી ગયા છે.
રિપોર્ટરે કુસલ મેન્ડિસને પૂછ્યું કે, વિરાટે હાલમાં જ 49મી વન ડે સદી ફટકારી છે તો શું તેને તમે અભિનંદન પાઠવવા માંગશો? તેના જવાબમાં કુસલ મેન્ડિસે કહ્યું કે, હું શું કામ તેને અભિનંદન પાઠવું. કુસલ મેન્ડિસે હસતા હસતા આ જવાબ આપ્યો હતો પરંતુ ફેન્સને તેનો આ જવાબ બિલ્કુલ પસંદ ન આવ્યો અને સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાનની પિચ ખૂબ જ ધીમી હતી અને આવી સ્થિતિમાં વિરાટ કોહલીની સદી વધુ ખાસ બની જાય છે. કેપ્ટન રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત આપાવી હતી અને એના કારણે જ બે વિકેટ પડ્યા બાદ શ્રેયસ અય્યર અને વિરાટ કોહલીને સેટ થવામાં વધુ સમય મળ્યો. વિરાટ કોહલીએ 121 બોલ પર અણનમ 101 રન બનાવ્યા હતા. ભારતે 50 ઓવરમાં પાંચ વિકેટ પર 326 રન બનાવ્યા હતા જ્યારે જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 83 રનોમાં જ ખખડી પડી હતી. રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ ઝડપી હતી.