ભારતે એશિયન ચેમ્પિયન ટ્રોફી મહિલા હોકીનો ખિતાબ જીત્યો

Spread the love

જાપાનની ટીમને ભારતીય ટીમે સ્પર્ધાની ફાઈનલમાં 4-0થી પરાજય આપ્યો

રાંચી

ભારતીય મહિલા હોકી ટીમે ગઈકાલે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ભારતીય મહિલા ટીમે ફાઈનલ મેચમાં જાપાનને 4-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે બીજી વખત આ ખિતાબ જીત્યો છે. આ પહેલા શનિવારે ભારતીય ટીમે એશિયન ગેમ્સની સિલ્વર મેડલ વિજેતા દક્ષિણ કોરિયાને 2-0થી હરાવીને વુમન્સ એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી હોકી ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

રાંચીના મારંગ ગોમકે જયપાલ સિંહ એસ્ટ્રોટર્ફ હોકી સ્ટેડિયમમાં ગઈકાલે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી 2023ની ફાઈનલ મેચ રમાઈ હતી. ભારત માટે સંગીતા કુમારી, નેહા, લાલરેમસિઆમી અને વંદના કટારીયાએ ગોલ કર્યા હતા. ભારતીય મહિલા હોકી ટીમની જીત બાદ હોકી ઈન્ડિયાએ ટ્વિટ કરીને જાહેરાત કરી હતી કે દરેક ખેલાડીને ઈનામ તરીકે 3 લાખ રૂપિયા આપવામાં આવશે. આ સાથે સપોર્ટ સ્ટાફના દરેક સભ્યને 1.5 લાખ રૂપિયા આપવામાં આવશે.

ભારતે આ પહેલા વર્ષ 2016માં સિંગાપોરમાં પ્રથમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. જ્યારે, જાપાન 2013 અને 2021નું વિજેતા છે. ભારતીય મહિલા હોકી ટીમના કોચ જેનેકે શોપમેને કહ્યું કે અમને ફાઇનલમાં 4-0થી જીતની આશા નહોતી. અમે ખૂબ જ ખુશ છીએ. મેચ જોવા આવેલા ચાહકોએ ટીમને ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા. અમને ઘણી મદદ કરી. દરેક જણ ઉત્સાહિત હતા. ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન સવિતા પુનિયાએ કહ્યું કે ખૂબ જ સારું લાગી રહ્યું છે. જાપાન ખૂબ જ સારું રમ્યું, હાફ ટાઈમમાં અમે માત્ર એક જ વાત કરી હતી કે અમારે આક્રમક રીતે રમવું પડશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *