કેટલાંક સિનિયર ખેલાડીઓ ઈચ્છતા હતા કે એલ્ગર તેના સન્યાસ લેવાના નિર્ણય પર ફરી એકવાર વિચાર કરે
ડરબન
સાઉથ આફ્રિકાના ઓપનર ડીન એલ્ગરે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. એલ્ગરે ભારત સામેની બે ટેસ્ટ મેચની સીરિઝ પહેલા આ જાહેરાત કરી હતી. કેપટાઉન ટેસ્ટ તેના કરિયરની છેલ્લી મેચ હતી. જો કે અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સાઉથ આફ્રિકાના કોચ શુક્રી કોનરાડ એલ્ગરને ટીમમાં રાખવા માંગતા ન હતા. એક અખબારના અહેવાલ મુજબ એલ્ગરનો ભારત સામે રમાયેલી ટેસ્ટ સીરિઝ પછી નિવૃત્તિ લેવાનો કોઈ ઈરાદો ન હતો.
એલ્ગરને સાઉથ આફ્રિકાના કોચ ટીમમાં સામેલ કરવા તૈયાર ન હતા. ત્યારબાદ એલ્ગરે કોચ શુક્રી સામે એક ઓફર મૂકી. જેમાં એલ્ગરે કહ્યું, “શું મને મારા ઘરેલું ફેન્સ સામે મારી અંતિમ સીરિઝ રમવાની તક મળશે ?” ભારત સામે રમાયેલી સીરિઝનો ભાગ બનવા માટે એલ્ગરે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું હતું. શુક્રી કોનરાડના કોચ બન્યા બાદ એલ્ગરને સુકાનીપદથી હટાવી દેવામાં આવ્યો હતો.
ડીન એલ્ગર શાનદાર ફોર્મમાં હતો. સાઉથ આફ્રિકાની ફોર-ડે સીરિઝમાં 2 સદી સાથે તેની એવરેજ 60થી વધુ હતું. પહેલી ટેસ્ટમાં પણ તેણે શાનદાર 185 રન બનાવ્યા હતા. આ મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતને એક ઇનિંગ અને 32 રનથી હરાવ્યું હતું. જો કે બીજી ટેસ્ટ મેચમાં એલ્ગર વધુ રન બનાવી શક્યો ન હતો અને ભારતે 2 દિવસમાં જ 7 વિકેટથી મેચ જીતીને સીરિઝ ડ્રો કરાવી હતી.
અખબારોના અહેવાલો મુજબ કેટલાંક સિનિયર ખેલાડીઓ ઈચ્છતા હતા કે એલ્ગર તેના સન્યાસ લેવાના નિર્ણય પર ફરી એકવાર વિચાર કરે. પરંતુ તે આ વ્યવહારથી નાખુશ હતો અને પોતાના સન્યાસ લેવાના નિર્ણય પર કાયમ રહ્યો. શુક્રવારે એલ્ગરે ઇંગ્લિશ કાઉન્ટી ક્લબ એસેક્સ સાથે ત્રણ વર્ષનો કરાર કર્યો હતો.