ભારતીય ટીમના કેટલાંક ખેલાડીઓ ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરની ભસ્મ આરતીમાં સામેલ થયા જેનો વીડિયો સામે આવ્યો
ઈન્દોર
અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી ત્રણ મેચની ટી20 સીરિઝની બીજી મેચ ગઈકાલે ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 6 વિકેટથી જીત નોંધાવી હતી. મેચમાં જીત મેળવ્યા બાદ ભારતીય ટીમના કેટલાંક ખેલાડીઓ આજે સવારે ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરની ભસ્મ આરતીમાં સામેલ થયા હતા. જેનો વીડિયો સામે આવ્યો છે.
રવિ બિશ્નોઈ, જિતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર અને તિલક વર્માએ ભસ્મ આરતીનો આનંદ માણ્યો અને નંદી હોલમાં બેસીને ભગવાન શ્રી મહાકાલના દર્શન કર્યા હતા. આરતી પછી જિતેશ શર્માએ મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું, “હું બાબા મહાકાલનો ભક્ત છું અને સમય મળતા જ બાબાના દર્શન કરવા આવી જઉં છું, મને અહીં આવીને એક અદ્ભુત આનંદની પ્રાપ્તિ થાય છે.
પહેલીવાર બાબા મહાકાલના દર્શન કરવા આવેલા રવિ બિશ્નોઈએ કહ્યું, “મેં વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલ મંદિર અને અહીં યોજાતી ભસ્મ આરતી વિશે સાંભળ્યું હતું, પરંતુ આજે પહેલીવાર મને આ આરતીમાં ભાગ લેવાનો અને તેના દિવ્ય દર્શન કરવાનો મોકો મળ્યો છે.” અન્ય ખેલાડીઓ પણ બાબા મહાકાલના આ દર્શનનો લાભ લઈને ખુશ જણાતા હતા.