ભારત ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરનારા દુનિયાના ટોચના દસ દેશોમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો
નવી દિલ્હી
જીવિત દાતા પાસેથી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની બાબતમાં ભારતે અમેરિકા સહિત અનેક દેશોને પછાડીને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારત ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરનારા દુનિયાના ટોચના દસ દેશોમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. એટલુ જ નહીં 75 વર્ષોમાં પહેલી વખત મૃત દાતાઓ પાસેથી અંગ લઈને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં એક હજારનો આંકડો પાર કરી લીધો છે. જોકે, સરકાર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના આ આંકડાઓથી સંતુષ્ટ નથી.
નેશનલ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (નોટ્ટો)ના ડાયરેક્ટર ડો. અનિલ કુમારે જણાવ્યુ કે 2023માં ભારતીય હોસ્પિટલોએ પહેલી વખત એક વર્ષમાં 16,941 ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. જેમાં 12,343 કિડની, 4,160 લિવર, 215 હૃદય, 189 ફેફસા, 20 પેંક્રિયાજ અને 14 નાના આંતરડાના ટ્રાન્સપ્લાન્ટ સામેલ છે પરંતુ મરણોપરાંતમાં 16,941 માંથી 1,062 ટ્રાન્સપ્લાન્ટ જ મૃત્યુ બાદ પ્રાપ્ત અંગોથી કરવામાં આવ્યા. ડો. કુમારે કહ્યુ હજુ મરણોપરાંત દાતાથી અંગ લેવામાં ભારત ખૂબ પાછળ છે. આ માટે લોકોએ દેહદાન માટે આગળ આવવુ જોઈએ.
ડો. કુમારનું કહેવુ છે કે પીએમ મોદીએ ઘણી વખત પોતાના મન કી બાત કાર્યક્રમમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ પર ચર્ચા કરી છે. તેનું જ પરિણામ છે કે ભારતે અમેરિકા, ઈટલી, ફ્રાન્સ જેવા દેશોને અંગદાનમાં પાછળ છોડ્યુ છે. જોકે સરકાર આ સિદ્ધિથી ખુશ નથી કેમ કે હજુ પણ દેશમાં માંગ અને પુરવઠા વચ્ચે ખૂબ અંતર છે.
નોટ્ટોએ આરોગ્ય મંત્રાલયને સોંપેલા રિપોર્ટમાં જણાવ્યુ છે કે માંગ અને પુરવઠાની વચ્ચે હજુ પણ ખૂબ અંતર છે. ભારતમાં દર વર્ષે બે લાખ કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. પરંતુ 2023માં 12,343 ટ્રાન્સપ્લાન્ટ થયા જેમાં 1,613 કિડની મૃત્યુ ઉપરાંત દાતાઓથી મળી છે એટલે કે 100 દર્દીઓ પર લગભગ છને કિડની મળી. ડો. કુમારનું કહેવુ છે કે દેશમાં દર વર્ષે 80 હજાર દર્દી હૃદય નિષ્ફળતાના કારણે ટ્રાન્સપ્લાન્ટની યાદીમાં જોડાઈ રહ્યા છે પરંતુ 2023માં માત્ર 215 હૃદય ટ્રાન્સપ્લાન્ટ થયા એટલે કે 500માંથી કોઈ એક દર્દીને હૃદય મળી રહ્યુ છે. આપણા માટે સૌથી જરૂરી મરણોપરાંત અંગદાન છે કેમ કે તેનાથી હૃદય, ફેફસા, સ્વાદુપિંડ અને નાના આંતરડા સહિત ઘણા પ્રકારના અંગ લઈને એક વખતમાં 8 જીવન બચાવી શકાય છે.