82 ટકા ભારતીયોનું માનવુ છે કે આગામી પાંચ વર્ષમાં નોકરીઓ અને ઉદ્યોગોમાં એઆઈ આધારિત પરિવર્તન તેમનું જીવન બદલી દેશે
નવી દિલ્હી
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ગરીબી ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે. 77 ટકા ભારતીય આ અંગે આશાવાદી છે. એટલુ જ નહીં 82 ટકા ભારતીયોનું માનવુ છે કે આગામી પાંચ વર્ષમાં નોકરીઓ અને ઉદ્યોગોમાં એઆઈ આધારિત પરિવર્તન તેમનું જીવન બદલી દેશે.
ગૂગલ માટે ઈપ્સોસ દ્વારા કરવામાં આવેલા તાજેતરના સર્વે અનુસાર સમગ્ર દુનિયામાં એઆઈને લઈને સૌથી વધુ ઉત્સાહ ભારતીયોમાં છે. અભ્યાસમાં 17 દેશોના 1,700 લોકોને સામેલ કરવામાં આવ્યા. તમામ ઓનલાઈન માધ્યમથી તેમાં સામેલ થયા હતા. જેમાંથી 82 ટકા ભારતીય એ આશા કરે છે કે એઆઈથી તેમને આરોગ્ય, રોજગાર અને જટિલ વિષયોને સમજવામાં લાભ થશે જ્યારે વૈશ્વિક સ્તરે આવુ માનનારા 54 ટકાથી વધુ છે.
મોટાભાગના ભારતીયોને આશા છે કે એઆઈ આગામી 5 વર્ષમાં પાયાના વિકાસને લઈને જે પડકારો છે તેમનું સમાધાન કરશે. 86 ટકાનું કહેવુ છે કે તેનાથી પરિવહનમાં વધારો થશે. સર્વેમાં સામેલ 70 ટકાથી વધુ ભારતીયોએ પહેલા જ એઆઈના સારા પ્રભાવનો (ખાસકરીને જાણકારી મેળવવા માટે) અનુભવ કર્યો છે.
80 ટકાને આશા છે કે તેનાથી તેમને વ્યક્તિગત રીતે લાભ થશે. તેમનુ માનવુ છે કે એઆઈ આરોગ્ય, સુરક્ષા, ક્લાઈમેટ ચેન્જ, વ્યક્તિગત શિક્ષણ, ઍક્સેસ અને અવકાશ સંશોધન જેવા વિભિન્ન ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. સર્વે અનુસાર 95 ટકા ભારતીય પોતાના કાર્યસ્થળ પર એઆઈ વિશે ચર્ચા કરે છે જ્યારે વૈશ્વિક સ્તરે આ સરેરાશ 65 ટકા છે. બેન પેજ, ઈપ્સોસના સીઈઓએ કહ્યુ કે એઆઈની સાથે આપણા જીવન પર કરવામાં આવેલા સર્વેથી વૈશ્વિક પડકારો વચ્ચે એઆઈની ક્ષમતાને ઓળખવાના મહત્વ પર ધ્યાન આપવામાં આવ્યુ છે. જેમાં એ પણ જણાવાયુ છે કે એઆઈ કેવી રીતે ડેટા વિશ્લેષણને વધારતા દુનિયામાં સકારાત્મક યોગદાન આપી શકે છે.
ગૂગલ ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ, સંજય ગુપ્તાએ કહ્યુ કે આ એઆઈ-સંચાલિત કંપની તરીકે તેમના ફોકસ માટે શ્રેષ્ઠ વાત છે. ઈપ્સોસ સર્વેથી જાણવા મળે છે કે ભારતીયોને સમાવેશી આર્થિક વિકાસમાં યોગદાન માટે એઆઈથી ખૂબ આશાઓ છે.