આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ અને આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પાડવાની કોઇ સંભાવના ન હોવાની આગાહી
ગાંધીનગર
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ધમાકેદાર રહી છે. જુલાઈ મહિનાની શરૂઆતમાં જ રાજ્યમાં સીઝનનો 32 ટકા વરસાદ વરસી ચુક્યો છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આજથી વરસાદ વિરામ લઇ શકે છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે હવામાનની આગાહી કરી છે જેમાં ચોમાસું સામાન્ય રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પાડવાની કોઇ સંભાવના નથી. આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં, ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરના અનેક વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ આવતી કાલે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સરેરાશ એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સીઝનના કુલ વરસાદનો 32 ટકા વરસાદ વરસી ચુક્યો છે. કચ્છ ઝોનમાં સીઝનનો સૌથી વધુ 87.44 ટકા અને સૌથી ઓછો વરસાદ પૂર્વ ગુજરાત ઝોનમાં 20.40 ટકા નોંધાયો. જયારે સૌરાષ્ટ્ર ઝોનમાં 46.71 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 29.29 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 26.09 ટકા વરસાદ નોંધાયો છે.