વૈજ્ઞાનિકોના મતે આ વધતી ગરમી માટે અલ-નીનો અને વધતું ઉત્સર્જન જવાબદાર છે
નવી દિલ્હી
ગ્લોબલ વોર્મિંગ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. જુલાઈ મહિનામાં અલ-નીનોની શરૂઆત થતાં જ વધતા તાપમાને તેની અસર દેખાવાનું શરૂ કરી દીધું છે. મળેલા અહેવાલો અનુસાર 4 જુલાઈ, 2023 અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ હતો. જ્યારે વૈશ્વિક સરેરાશ તાપમાન 17.18 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. વધતા તાપમાનનો આ ટ્રેન્ડ 5 જુલાઈ, 2023ના રોજ પણ ચાલુ રહ્યો હતો. અગાઉ 3 જુલાઈ, 2023ના રોજ સરેરાશ તાપમાન 17.01 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આનો અર્થ એ થયો કે જુલાઈ 2023ના પ્રથમ અઠવાડિયામાં જ વૈશ્વિક સરેરાશ તાપમાન સતત ત્રણ દિવસ સુધી 17 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે.
વૈજ્ઞાનિકોના મતે આ વધતી ગરમી માટે અલ-નીનો અને વધતું ઉત્સર્જન જવાબદાર છે. આ અઠવાડિયા પહેલા ઓગસ્ટ 2016માં અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. ત્યારે વૈશ્વિક સરેરાશ તાપમાન 16.92 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. વર્ષ 2016માં પણ અલ-નીનોની ઘટના નોંધવામાં આવી હતી.
વિશ્વ હવામાન સંસ્થાએ 4 જુલાઈ, 2023થી વિષુવવૃત્તીય પેસિફિક મહાસાગરમાં અલ-નીનોની ઘટનાની શરૂઆતની જાહેરાત કરી હતી. આ સ્થિતિમાં વૈશ્વિક સ્તરે વાતાવરણ અને સમુદ્રના સરેરાશ તાપમાનમાં વધારા સાથે, ગરમી અને દુષ્કાળ જેવી ઘટનાઓ વધશે. મુખ્ય વૈજ્ઞાનિક રોબર્ટ રોહડે ટ્વિટર પર અહેવાલ આપ્યો કે આગામી છ અઠવાડિયામાં થોડા વધુ ગરમ દિવસો જોવા મળશે. અલ-નીનો સધર્ન ઓસિલેશન ઇવેન્ટનો ગરમ તબક્કો છે, જે દરમિયાન વિષુવવૃત્તીય પેસિફિક મહાસાગરમાં દરિયાની સપાટીનું તાપમાન, જે નીનો 3.4 તરીકે ઓળખાય છે, તે સરેરાશ કરતાં 0.5 ડિગ્રી સેલ્સિયસ અથવા તેથી વધુ ગરમ થઇ જાય છે.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમના તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલા ‘ગ્લોબલ રિસ્ક્સ રિપોર્ટ’ એ સ્વીકાર્યું હતું કે ક્લાઈમેટ ચેન્જ વિશ્વ માટે સૌથી મોટો ખતરો છે. વિશ્વમાં લગભગ 360 મિલિયન લોકો એવા વિસ્તારોમાં રહે છે જે આબોહવા પરિવર્તન માટે અત્યંત સંવેદનશીલ છે.
અમેરિકાના નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનએ આશંકા વ્યક્ત કરી હતી કે આ વર્ષે જૂન,જુલાઈ અને ઓગસ્ટ મહિના વચ્ચે અલ-નીનો થવાની 90 ટકા શક્યતા છે. સામાન્ય રીતે અલ-નીનોની રચનાના એક વર્ષમાં વૈશ્વિક તાપમાનમાં વધારો નોંધવામાં આવે છે. તાપમાનમાં રોજબરોજના વધારાની સાથે વરસાદની પેટર્નમાં ફેરફાર અને ધ્રુવો પર બરફ ઘટવાથી સ્પષ્ટપણે સંકેત મળે છે કે પૃથ્વી ઝડપથી ગરમ થઈ રહી છે. આવી સ્થિતિમાં જો વધી રહેલા ઉત્સર્જનને રોકવામાં નહીં આવે તો ભવિષ્યમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.