ગોવા રબારીને ડીસા એપીએમસીના ચેરમેન બનાવાયા

Spread the love

વાઈસ ચેરમેન તરીકે અરજણભાઈ પટેલની વરણી કરવામાં આવી


અમદાવાદ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના અનેક નેતાઓ પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ ગયાં છે. કેટલાક નેતાઓને મલાઈદાર પદ મળ્યાં છે. તો કેટલાક હજી પદની લાલસાની આશા સેવી રહ્યાં છે. ત્યારે તાજેતરમાં ઉત્તર ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ કોંગ્રેસ સાથેનો 35 વર્ષ જુનો નાતો તોડીને ભાજપનો કેસરીયો ખેસ પહેર્યો હતો. હવે તેમને ડીસા એપીએમસીના ચેરમેન બનાવવામાં આવ્યાં છે. તે ઉપરાંત વાઈસ ચેરમેન તરીકે અરજણભાઈ પટેલની વરણી કરવામાં આવી છે.
આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે ઉત્તર ગુજરાતમાં મોટો દાવ ખેલી નાંખ્યો છે. વિધાનસભા પહેલાં જયરાજસિંહ, નરેશ રાવલ સહિતના નેતાઓને ભાજપમાં લાવીને સફળતા મેળવી છે. ત્યારે હવે કોંગ્રેસ સાથે રહેલા ગોવાભાઈને કેસરીયો ધારણ કરાવીને ઓબીસી સમાજને કબજે કરવા ભાજપે મોટો દાવ ખેલી નાંખ્યો છે. ગોવાભાઈની એપીએમસીના ચેરમેન તરીકે 16 ડિરેક્ટરોમાં સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. ભાજપને આગામી ચૂંટણીમાં ગોવાભાઈના લીધે ઓબીસી સમાજના મત અંકે કરવામાં હવે સરળતા રહેશે તેવું રાજકીય નિષ્ણાંતો માની રહ્યાં છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.ગોવાભાઈને ભાજપમાં લાવવા માટે ભારતીય જનતા પાર્ટીના બે દિગ્ગજ નેતાઓએ ખેલ પાડ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.ગોવાભાઈ દેસાઈ 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા.તેઓ અત્યાર સુધીમાં 7 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેમના પુત્ર સંજય રબારીને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં સંજય રબારીનો પરાજય થયો હતો.
2017ની ચૂંટણીમાં ગોવાભાઈ ડીસા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસના ગોવાભાઈ રબારીને ભાજપના શશીકાંત પંડ્યા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આપને જણાવી દઈએ કે, ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડા ગામના રહેવાસી છે. ગોવાભાઈ દેસાઈએ કુચાવાડા ગામના સરપંચથી રાજકારણની શરૂઆત કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પણ રહી ચુક્યા છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *