ટેસ્લા અને ભારત સરકાર વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં, ટેસ્લા માત્ર ભારતમાં તેનો પ્લાન્ટ જ નહી શરૂ કરે પરંતુ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતને એક્સપોર્ટ હબ બનાવવાની પણ યોજના ધરાવે છે
નવી દિલ્હી
ટેસ્લાની ઇલેક્ટ્રિક કારની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. એલન મસ્કની ટેસ્લાએ ભારતમાં વાર્ષિક 5 લાખ ઇલેક્ટ્રિક વાહનોની ક્ષમતા સાથે કાર ફેક્ટરી સ્થાપવા માટેના રોકાણ પ્રસ્તાવ પર ભારત સરકાર સાથે ચર્ચા શરૂ કરી છે. તાજેતરમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુએસની મુલાકાતે હતા, ત્યારે એલન મસ્ક તેમને મળ્યા હતા અને પુષ્ટિ કરી હતી કે તેઓ ભારતમાં તેમનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે અને રોકાણ કરશે.
મળેલા અહેવાલો અનુસાર હવે ટેસ્લા અને ભારત સરકાર વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર ટેસ્લા માત્ર ભારતમાં તેનો પ્લાન્ટ જ નહી શરૂ કરે પરંતુ ચીનની તર્જ પર ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતને એક્સપોર્ટ હબ તરીકે વિકસાવવાની પણ યોજના ધરાવે છે. જો કે આ મામલે કંપની કે એલન મસ્ક દ્વારા હજુ સુધી કોઈ માહિતી શેર કરવામાં આવી નથી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની ભારતમાં જે પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી રહી છે તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા લગભગ 5 લાખ ઇલેક્ટ્રિક વાહનોની હશે. આટલું જ નહીં, કંપનીની ઇલેક્ટ્રિક કારની શરૂઆતની કિંમત 20 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. ટેસ્લા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય સાથે વાતચીત કરી રહી છે.
આ બાબતની જાણકારી ધરાવતા લોકોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે ટેસ્લા તેના ઓટો પાર્ટ્સ અને ઈલેક્ટ્રોનિક્સ સિરીઝને ભારતમાં લાવવાની અને આ પ્રક્રિયામાં ટેક્સમાં છૂટ મેળવવાની શક્યતાઓ શોધી રહી છે. વાસ્તવમાં કંપની ભારતમાં પોતાની ઓટો કમ્પોનન્ટ સિરીઝ શરૂ કરવા માંગે છે, જ્યારે ભારત સરકારે ટેસ્લાને દેશમાં હાલના ઓટો કમ્પોનન્ટ સપ્લાયનું મૂલ્યાંકન કરવા કહ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે અમેરિકાની મુલાકાતે હતા ત્યારે ટેસ્લાના સીઈઓ એલન મસ્કે તેમની મીટિંગ દરમિયાન કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી ભારતની ચિંતા કરે છે અને તેમણે ટેસ્લાને દેશમાં નોંધપાત્ર રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે, આ ઉપરાંત મસ્કે પોતાને નરેન્દ્ર મોદીના પ્રશંસક તરીકે ગણાવ્યા અને વિશ્વના અન્ય મોટા દેશ કરતાં ભારતમાં વધુ સારી ક્ષમતા અને તકો હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ બેઠકથી ભારતમાં ટેસ્લાની એન્ટ્રી પર ઘેરાયેલા વાદળો દૂર થઈ ગયા હતા. જો કે આ બાબતમાં હજુ ઘણું બધું થવાનું બાકી છે, સમય જતાં તેમાં વધુ નવા અપડેટ્સ આવશે.