ભારતમાં સૌથી અલાયદી અને આકર્ષક એન્ટરટેઇનમેન્ટ બ્રાન્ડ્સને એકસાથે લાવવાનું કાર્ય સંપન્ન
આ સંયુક્ત સાહસ ભારતની ડિજિટલ સ્ટ્રીમિંગ ઇકો-સિસ્ટમના પરિવર્તનનું નેતૃત્વ કરવા અને સમગ્ર એન્ટરટેઇનમેન્ટ તથા સ્પોર્ટ્સમાં લીનિયર ટીવી સ્પેસ વિસ્તારવા માટે તૈયાર છે
રિલાયન્સે સંયુક્ત સાહસની મૂડી વધારવા માટે ₹ 11500 કરોડનું રોકાણ કર્યું
રિલાયન્સ આ સંયુક્ત સાહસનું સંચાલન અને એકીકરણ કરશે
નીતા એમ. અંબાણી તેના ચેરપર્સન રહેશે
મુંબઈ / બરબેન્ક, કેલિફોર્નિયા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“આરઆઇએલ”), વાયાકોમ 18 મીડિયા પ્રાઇવેટ લિમિટેડ (“વાયાકોમ18”) અને ધ વોલ્ટ ડિઝની કંપની (એનવાયએસઇ:ઇઆઇએસ) (“ડિઝની”)એ આજેજાહેરાત કરી હતી કે માનનીય એનસીએલટી મુંબઈ, કોમ્પિટીશન કમિશન ઓફ ઈન્ડિયા અને અન્ય નિયમનકારી ઓથોરિટીની મંજૂરીને પગલે વાયાકોમ18ના મીડિયા અને જિયોસિનેમાના બિઝનેસનું સ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (“એસઆઇપીએલ”)માં વિલીનીકરણ કરી સંયુક્ત સાહસ (“જેવી”) અસ્તિત્વમાં લાવવામાં આવ્યું છે. વધુમાં આરઆઇએલએ આ સંયુક્ત સાહસ માટે ₹11,500 કરોડ (~યુએસ$ 1.4 બિલિયન)નું મૂડીરોકાણ કર્યું છે. સંયુક્ત સાહસે અનુક્રમે અસ્કયામતો અને રોકડને ધ્યાનમાં રાખીને વાયાકોમ18 અને આરઆઇએલને શેર ફાળવ્યા છે.
આ નાણાકીય વ્યવહારનું મૂલ્ય સિનર્જીને બાદ કરતાં પોસ્ટ-મનીના આધારે ₹70,352 કરોડ (~યુએસ$ 8.5 બિલિયન) છે. ઉપરોક્ત વ્યવહારો પૂર્ણ થતાં આ સંયુક્ત સાહસ આરઆઇએલ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે અને આરઆઇએલ 16.34%, વાયાકોમ18 દ્વારા 46.82% અને ડિઝની 36.84% માલિકી હિસ્સો ધરાવે છે.
શ્રીમતી નીતા એમ. અંબાણી સંયુક્ત સાહસના ચેરપર્સન રહેશે, એ સાથે શ્રી ઉદય શંકર વાઇસ ચેરપર્સન તરીકે સંયુક્ત સાહસને વ્યૂહાત્મક માર્ગદર્શન પૂરું પાડશે.
આ સંયુક્ત સાહસ ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર ભારતમાં સૌથી વધુ પ્રતિષ્ઠિત અને આકર્ષક મીડિયા બ્રાન્ડ્સનું સરનામું બની ગયું છે. ટેલિવિઝનના મોરચે ‘સ્ટાર’ અને ‘કલર્સ’ તથા ડિજિટલ ફ્રન્ટ પર ‘જિયો સિનેમા’ અને ‘હોટસ્ટાર’નું સંયોજન ભારતમાં અને વૈશ્વિક સ્તરે દર્શકોને મનોરંજન અને રમતગમતમાં સામગ્રીની વ્યાપક પસંદગી પૂરી પાડશે.
સંયુક્ત સાહસની રચના ગ્રાહકો માટે ભારતના મનોરંજન ઉદ્યોગમાં એક નવા યુગની શરૂઆત કરશે. રિલાયન્સ અને ડિઝનીનું આ અનોખું સંયુક્ત સાહસ કંપનીઓની કન્ટેન્ટ સર્જન અને ક્યુરેશનના કૌશલ્ય, ડિજિટલ ફર્સ્ટ એપ્રોચ સાથે વિશ્વ-સ્તરની ડિજિટલ સ્ટ્રીમિંગ ક્ષમતાઓને એકસાથે લાવે છે જે સંયુક્ત સાહસને ભારતીય દર્શકો અને વૈશ્વિક સ્તરે ભારતીય સમુદાયને પોસાય તેવા ભાવે અપ્રતિમ સામગ્રીની પસંદગીઓ પહોંચાડવામાં મદદ કરશે.
આ સંયુક્ત સાહસ માર્ચ 2024માં પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે અંદાજે ₹26,000 કરોડ (~યુએસ$3.1 બિલિયન)ની પ્રો ફોર્મા સંયુક્ત આવક સાથે ભારતની સૌથી મોટી મીડિયા અને મનોરંજન કંપનીઓમાંની એક બની છે. સંયુક્ત સાહસ 100થી વધુ ટીવી ચેનલોનું સંચાલન કરે છે અને વાર્ષિક 30,000થી વધુ કલાકોનું ટીવી એન્ટરટેઇનમેન્ટ કન્ટેન્ટનું સર્જન કરે છે. જિયોસિનેમા અને હોટસ્ટાર ડિજિટલ પ્લેટફોર્મનો કુલ સબ્સ્ક્રિપ્શન બેઝ 50 મિલિયનથી વધુ છે. આ સંયુક્ત સાહસ ક્રિકેટ, ફૂટબોલ અને અન્ય રમતોમાં રમતગમતના પ્રસારણ અધિકારોનો પોર્ટફોલિયો ધરાવે છે.
કોમ્પિટિશન કમિશન ઑફ ઈન્ડિયા (“સીસીઆઇ”)એ 27 ઑગસ્ટ 2024ના રોજ આ વ્યવહારને મંજૂરી આપી હતી, તે તમામ પક્ષો દ્વારા રજૂ કરવામાં આવેલા કેટલાક સ્વૈચ્છિક ફેરફારોના પાલનને આધીન છે. સીસીઆઇ ઉપરાંત, ઇયુ, ચીન, તુર્કી, દક્ષિણ કોરિયા અને યુક્રેનમાં એન્ટી-ટ્રસ્ટ ઓથોરિટી દ્વારા પણ આ વ્યવહારને મંજૂરી આપવામાં આવી છે.
આ સંયુક્ત સાહસ વિશે બોલતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, “આ સંયુક્ત સાહસની રચના સાથે ભારતીય મીડિયા અને મનોરંજન ઉદ્યોગ પરિવર્તનશીલ યુગમાં પ્રવેશી રહ્યું છે. અમારી ઊંડી સર્જનાત્મક ક્ષમતા અને ડિઝની સાથેનો સંબંધ ભારતીય ગ્રાહકો વિશેની અમારી અજોડ સમજ સાથે ભારતીય દર્શકો માટે પોસાય તેવા ભાવે અપ્રતિમ મનોરંજન સામગ્રી સુનિશ્ચિત કરશે. હું સંયુક્ત સાહસના ભવિષ્ય વિશે ખૂબ જ ઉત્સાહિત છું અને તેની સફળતાની કામના કરું છું.”
“આ બંને કંપનીઓ માટે તેમજ ભારતના ગ્રાહકો માટે એક રોમાંચક ક્ષણ છે, કારણ કે અમે આ સંયુક્ત સાહસ દ્વારા દેશની ટોચની મનોરંજન સંસ્થાઓમાંની એક કંપની બનાવીએ છીએ,” તેમ ધ વોલ્ટ ડિઝની કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી રોબર્ટ એ. ઇગરે જણાવ્યું હતું. “રિલાયન્સ સાથે જોડાવાથી અમે આ મહત્વપૂર્ણ મીડિયા માર્કેટમાં અમારી હાજરીને વિસ્તારવા અને દર્શકોને એન્ટરટેઇનમેન્ટ, સ્પોર્ટ્સ કન્ટેન્ટ અને ડિજિટલ સર્વિસીઝનો વધુ મજબૂત પોર્ટફોલિયો પહોંચાડવા સક્ષમ છીએ.”
બોધિ ટ્રી સિસ્ટમ્સના સહ-સ્થાપક શ્રી ઉદય શંકરે કહ્યું કે, “જેમ્સ અને હું ભારતમાં મીડિયા અને મનોરંજન ઉદ્યોગને અપ્રતિમ રીતે વિસ્તારવાની આ યાત્રામાં ભાગીદાર બનવા માટે ઉત્સાહિત છીએ. નવી સંસ્થા સર્જનાત્મકતા, નવા આયામો અને નવા યુગના ગ્રાહક અનુભવને અભૂતપૂર્વ સ્તરે પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. જેમ જેમ મીડિયા કન્ઝમ્પશન એક સંકલિત ટીવી-ડિજિટલ ઇકોસિસ્ટમ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે વાયાકોમ18 અને સ્ટાર ઇન્ડિયાનું વિલીનીકરણ સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના ગ્રાહકોને વધુ સારી રીતે સેવા આપવા માટે ઉદ્યોગને ફરીથી તૈયાર કરવાની અનન્ય તક આપે છે. સાથે મળીને અમારું લક્ષ્ય ભારતનું સૌથી મોટું સંકલિત મીડિયા પ્લેટફોર્મ તૈયાર કરવાનું છે જે નવીન અને ઉત્સાજનક રીતે અપ્રતિમ અનુભવો પૂરા પાડશે”
આ સંયુક્ત સાહસનું નેતૃત્વ ત્રણ સીઈઓ દ્વારા કરવામાં આવશે જે કંપનીને મહત્વાકાંક્ષા અને નવી ક્ષીતિજો પાર કરવાના નવા યુગમાં દોરી જશે. કેવિન વાઝ સમગ્ર પ્લેટફોર્મ પર મનોરંજન ઓર્ગેનાઇઝેશનનું નેતૃત્વ કરશે. કિરણ મણી કમ્બાઇન્ડ ડિજિટલ ઓર્ગેનાઇઝેશનનો હવાલો સંભાળશે. જ્યારે સંજોગ ગુપ્તા કમ્બાઇન્ડ સ્પોર્ટ્સ ઓર્ગેનાઇઝેશનનું નેતૃત્વ કરશે. સાથે મળીને તેઓ એક બેબાક, પરિવર્તનશીલ દૃષ્ટિ કેળવવા માટે તેમની અનન્ય શક્તિઓનો લાભ લેશે જે યથાસ્થિતિને પડકારે છે અને ઉદ્યોગમાં નવા સીમાચિન્હો સ્થાપશે.
એક અલગ વ્યવહારમાં આરઆઇએલએ વાયાકોમ18માં પેરામાઉન્ટ ગ્લોબલનો 13.01%નો સંપૂર્ણ હિસ્સો ₹4,286 કરોડમાં ખરીદ્યો છે. પરિણામે ફૂલ્લી ડાયલ્યૂટેડ બેઝીઝ પર વાયાકોમ18માં આરઆઇએલનો હિસ્સો 70.49% થયો, નેટવર્ક18 મીડિયા એન્ડ ઈન્વેસ્ટમેન્ટ્સ લિ.નો 13.54% અને બોધિ ટ્રી સિસ્ટમ્સનો 15.97% હિસ્સો થયો છે.