નિફ્ટીમાં 199 પોઈન્ટનો ઘડાટો થયો, રોકાણકારોની સંપત્તિ ઘટીને 302.43 લાખ કરોડ થઈ ગઈ
મુંબઈ
સપ્તાહનો અંતિમ કારોબારી દિવસ ભારતીય શેરબજાર નિરાશાજનક રહ્યો. શેરબજારમાં છ દિવસથી ચાલી આવતી તેજી પર આજે બ્રેક લાગી હતી. આજે માર્કેટમાં 850થી વધુ પોઇન્ટનો કડાકો બોલતાં રોકાણકારોમાં ફફડાટ ફેલાયો હતો. વૈશ્વિક દબાણની અસર આજે ઘરેલું શેરબજાર પર પણ જોવા મળી હતી. પરિણામ પહેલા રિલાયન્સના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે 887.64 પોઇન્ટના ઘટાડા સાથે 66,684.64 પોઇન્ટ અને નિફ્ટી 199.3 પોઇન્ટના ઘટાડા સાથે 19779.85 પોઇન્ટ પર બંધ રહ્યા. આજના ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ ઘટીને 302.43 લાખ કરોડ થઈ છે.
શેરબજારમાં ઘટાડાનું સૌથી મોટું કારણ આઈટી સેક્ટરની મુખ્ય કંપની ઈન્ફોસિસ છે. તેના પરિણામની અસર બજાર પર જોવા મળી રહી છે. ઈન્ફોસિસ વર્તમાન નાણાકીય વર્ષ માટે રેવન્યૂ ગાઇડેંસ 4-7 ટકાથી ઘટાડી 1-1.35 ટકા કરી છે. આ ઘટાડો બજારના આશા કરતાં ઘણો વધારે છે. આ કારણે આઈટી શેર સહિત શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
અમેરિકન સ્ટોક એક્સચેન્જ નાસ્ડેકમાં ચાલુ વર્ષે 40 ટકાના વધારા બાદ 20 જુલાઈએ માર્ચ બાદ સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. ટેસ્લા અને નેટફ્લિક્સના પરિણામ ખરાબ આવવાના કારણે નાસ્ડેકની શરૂઆત ઘટાડા સાથે થઈ. જેના કારણે વિશ્વભરના બજારોમાં સુસ્તીનો માહોલ જોવા મળ્યો. જાપાનના શેરબજારની શરૂઆત પણ ઘટાડા સાથે થઈ હતી.
ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી, એચયુએલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ નિફ્ટીના ટોચના ઘટનારા શેર્સ હતા. જ્યારે એલએન્ડટી, ઓએનજીસી, એનટીપીસી, એસબીઆઈ અને બીપીએલ નિફ્ટીના વધનારા શેર હતા. સેકટર્સમાં આઈટી સેક્ટરમાં 4.6 ટકાનો ઘટાડો થયો હતો. એફએમસીજીમાં એક ટકા અને મેટલમાં પણ એક ટકાનો ઘટાડો થયો હતો. જ્યાકે કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સ 1 ટકા વધ્યો હતો. બીએસઈ મિડ કેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ સામાન્ય બદલાવ સાથે બંધ થયા હતા.
આજના કારોબારમાં લાર્સનનો શેર 3.88 ટકા, એનટીપીસી 1.09 ટકા, એસબીઆઈ 0.78 ટકા, કોટક મહિન્દ્રા 0.70 ટકા, ટાટા મૉટર્સ 0.68 ટકા, આસીઆઈસીઆઈબેન્ક 0.13 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે ઈન્ફોસિસ 8.18 ટકા, એચયુએલ 3.65 ટકા, એચસીએલ ટેક 3.33 ટકા, રિલાયન્સ 3.19 ટકા ઘટીને બંધ રહ્યા હતા.
આજના કારોબારમાં બીએસઈપર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈપર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ગુરુવારના સત્રમાં 304.03 લાખ કરોડ રૂપિયાની સરખામણીએ 302.09 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. એટલે કે આજના વેપારમાં 1.94 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.