પંચે ઈસ્લામાબાદ પોલીસને ખાનની ધરપકડ કરવા અને મંગળવારે તેમની સમક્ષ હાજર કરવાનો નિર્દેશ આપ્યો
કરાચી
પાકિસ્તાનના ચૂંટણી પંચ (ઈસીપી) એ સોમવારે પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના અધ્યક્ષ ઈમરાન ખાન વિરુદ્ધ અવમાનનાના કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. અહેવાલ મુજબ પંચે ઈસ્લામાબાદ પોલીસને ખાનની ધરપકડ કરવા અને મંગળવારે તેમની સમક્ષ હાજર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી નિરીક્ષક વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ પૂર્વ માહિતી મંત્રી ફવાદ ચૌધરી અને અન્ય સહિત ઈમરાન ખાન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. વોરંટ અનુસાર, ઈમરાન ખાને 16 જાન્યુઆરી અને 2 માર્ચે કમિશન દ્વારા જારી કરાયેલા જામીનપાત્ર વોરંટની અવગણના કરી હતી. ચૂંટણી પંચે ઈસ્લામાબાદના ઈન્સ્પેક્ટર જનરલને ઈમરાન ખાનની ધરપકડ કરવા અને 25 જુલાઈના રોજ સવારે 10 વાગ્યે તેમની સમક્ષ હાજર કરવાનો નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચે ગયા વર્ષે પીટીઆઈના વડા અને પક્ષના બે પૂર્વ નેતાઓ સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરી હતી.
ઇમરાન ખાન ગયા વર્ષે એપ્રિલમાં સત્તા પરથી હટ્યા ત્યારથી વિવિધ અદાલતોમાં અનેક કાયદાકીય કેસ લડી રહ્યા છે. ચૂંટણી પંચે આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે રૂબરૂમાં અથવા તેમના વકીલ દ્વારા તેમની હાજર રહેવા કહ્યું હતું. ચૂંટણી પંચની અપીલનું પાલન કરવાને બદલે, ત્રણેય વ્યક્તિઓએ ઈસીપી નોટિસ અને અવમાનનાની કાર્યવાહીને કાનૂની આધાર પર વિવિધ હાઈકોર્ટમાં પડકારી હતી.