આઈએમએફ એ જણાવ્યું કે ભારતે દેવા સંબંધિત જોખમોને ઘટાડવા મધ્યમગાળામાં ખાધ ઘટાડવા માટે મહત્વાકાંક્ષી રાજકોષીય સશક્તિકરણ યોજના બનાવવી જોઈએ
નવી દિલ્હી
ભારત પર ચીનની જેમ જ ભારે ભરખમ દેવું થઈ ગયું છે. તેમ છતાં પાડોશી દેશોની સરખામણીમાં ભારત સામે દેવા સંબંધિત જોખમો ઓછા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) એ જણાવ્યું હતું કે ભારતે દેવા સંબંધિત જોખમોને ઘટાડવા માટે મધ્યમગાળામાં ખાધ ઘટાડવા માટે મહત્વાકાંક્ષી રાજકોષીય સશક્તિકરણ યોજના બનાવવી જોઈએ.
આઈએમએફ ખાતે રાજકોષીય બાબતોના ડેપ્યુટી ડાયરેક્ટર રૂડ ડી મોઈઝે જણાવ્યું હતું કે ભારતનું વર્તમાન દેવું જીડીપીના 81.9 ટકા છે. ચીનના કિસ્સામાં આ પ્રમાણ 83 ટકા છે. આ રીતે, બંને દેશો લગભગ સમાન સ્થિતિમાં છે. જો કે કોરોના મહામારી પહેલા ભારતનું દેવું 2019 માં જીડીપીના 75 ટકા હતું.
મોઇઝે કહ્યું કે, ભવિષ્યમાં ભારતનું દેવું ચીનની જેમ વધવાની શક્યતા નથી, પરંતુ તે ઘટવાની સંભાવના છે. 2028માં ભારતનું દેવું જીડીપીના 1.5 ટકા ઘટીને 80.4 ટકા થઈ જશે. તેમણે કહ્યું કે, ભારતનો આર્થિક વિકાસ દર ઊંચો છે અને તે આ જોખમ ઘટાડવામાં મદદ કરશે. ઊંચો વિકાસદર પણ દેવું અને જીડીપી રેશિયો સાથે સંબંધ ધરાવે છે.
મોઇઝે કહ્યું કે ભારતમાં કેટલાક રાજ્યો પર ઘણું દેવું છે. તેમણે વ્યાજના ભારે બોજનો સામનો કરવો પડે છે. આ એક પરિબળ છે જે ભારત માટે પણ જોખમી છે. જો કે, આ જોખમોને પહોંચી વળવા માટે ભારત જે રીતે રાજકોષીય સશક્તિકરણનો ઉપયોગી રીતે સમર્થન આપી શકે છે તે પૈકી એક રીત ટેક્નિકલ પ્રણાલીને મજબૂત કરવી છે.
આઈએમએફ અધિકારીએ કહ્યું કે, ભારતમાં 2023માં રાજકોષીય ખાધ 8.8 ટકા રહી શકે છે. તેનો મોટો હિસ્સો વ્યાજ ખર્ચને કારણે છે, કારણ કે ભારત તેના દેવા પર વધુ વ્યાજ ચૂકવે છે, જે જીડીપીના 5.4 ટકા છે. પ્રાથમિક ખાધ 3.4% રહેવાથી રાજકોષીય ખાધ 8.8% સુધી પહોંચશે. પૂર્વ આર્થિક બાબતોના સચિવ અતનુ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે મજબૂત માગ અને નિકાસના આધારે ભારત 2050 સુધીમાં 30 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની શકે છે.