પ્રથમ ઇનિંગ પછી સન્માન સમારોહમાં એમ.એસ ધોની, કપિલ દેવ, રિકી પોન્ટિંગ, ક્લાઈવ લોઈડ, એલન બોર્ડર, ઈયોન મોર્ગન અને અર્જુન રણતુંગા હાજર રહેશે
અમદાવાદ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે અમદાવાદમાં વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાનાર છે. આ ફાઈનલ મેચ દરમિયાન વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનોનું ખાસ અંદાજમાં સન્માન કરવામાં આવશે. બીસીસીઆઈ અત્યાર સુધીના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન(ને સ્પેશિયલ બ્લેઝર દ્વારા સન્માનિત કરશે. ફાઈનલ મેચમાં પ્રથમ ઇનિંગ પછી આ સન્માન સમારોહ યોજાશે. આ ઈવેન્ટ માટે એમ.એસ ધોની, કપિલ દેવ, રિકી પોન્ટિંગ, ક્લાઈવ લોઈડ, એલન બોર્ડર, ઈયોન મોર્ગન અને અર્જુન રણતુંગા સ્ટેડિયમમાં હાજર રહેશે.
આ ઇવેન્ટ માટે બીસીસીઆઈએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. આ ઈવેન્ટમાં કેપ્ટનોને બ્લેઝર આપવામાં આવે તે પહેલા સ્ટેડિયમની સ્ક્રીન પર તેમની કેટલીક વીડિયો ક્લિપ્સ પણ બતાવવામાં આવશે. આમાં તેમની ટીમની ચેમ્પિયન બનવાની સફર બતાવવામાં આવશે. આ દરમિયાન તમામ કેપ્ટન પાસેથી નાના-નાના પ્રશ્નો પણ પૂછવામાં આવશે. ફાઈનલ મેચની શરુઆત બપોરે 12:30 વાગ્યે ઈન્ડિયન એરફોર્સના 10 મિનિટના એર શોથી થશે. આ દરમિયાન આઈએએફની સૂર્યકિરણ ટીમ સ્ટેડિયમ ઉપર કરતબ બતાવશે. પહેલીવાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 હોક કલાબાજીનું પ્રદર્શન કરશે.
ભારતના ફેમસ સંગીતકાર પ્રીતમનું લાઈવ પરફોર્મન્સ થશે. આ દરમિયાન 500 ડાન્સર્સ પણ સ્ટેડિયમમાં હાજર રહેશે. સંગીતકાર પ્રીતમ-દેવા ઓ દેવા, કેસરિયા, લહેરા દો, જીતેગા જીતેગા, નગાડા નગાડા, ધૂમ મચાલે, દંગલ દંગલની પ્રસ્તુતિ કરશે. સેકન્ડ ઈનિંગની બીજી ડ્રિંક બ્રેક રાત 8:30 વાગ્યે 90 સેકન્ડ માટે થશે. આ દરમિયાન લેજર શો થશે.