શમીને વસીમ અકરમનો રેકોર્ડ તોડવા માટે 2 વિકેટની જરૂર છે, અકરમે 38 મેચમાં 55 વિકેટ લીધી છે. શમીએ 17 મેચમાં 54 વિકેટ ઝડપી છે

અમદાવાદ
ભારતીય ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વન-ડે વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે 6 મેચમાં 23 વિકેટ ઝડપી છે. શમી હવે આવતીકાલે અમદાવાદમાં ઈતિહાસ રચવાની નજીક પહોંચી ગયો છે. આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં તે વસીમ અકરમ અને લસિથ મલિંગાનો રેકોર્ડ તોડી શકે છે.
મોહમ્મદ શમી વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ચોથા નંબરે પહોંચી શકે છે. શમીને વસીમ અકરમનો રેકોર્ડ તોડવા માટે 2 વિકેટની જરૂર છે. અકરમે 38 મેચમાં 55 વિકેટ લીધી છે. શમીએ 17 મેચમાં 54 વિકેટ ઝડપી છે. તે એક વિકેટ લેતાની સાથે અકરમની બરોબરી કરી લેશે. જયારે મલિંગાનો રેકોર્ડ તોડવા માટે શમીએ 3 વિકેટની જરૂર છે. મલિંગાએ 29 મેચમાં 56 વિકેટ ઝડપી છે. વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર ગ્લેન મેગ્રાના નામે છે. મેગ્રાએ 39 મેચમાં 71 વિકેટ ઝડપી છે. આ લીસ્ટમાં શમી હાલ છટ્ઠા નંબરે છે.
શમીએ 100 વનડે મેચોની 99 ઇનિંગ્સમાં 194 વિકેટ લીધી છે. તે વનડે ક્રિકેટમાં 200 વિકેટ લેવાની નજીક પહોંચી ગયો છે. આ સિદ્ધિ મેળવવા માટે તેને 4 વિકેટની જરૂર છે. વનડે મેચમાં શમીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 57 રનમાં 7 વિકેટ લેવાનું રહ્યું છે. તેનો ટેસ્ટ રેકોર્ડ જોઈએ તો તે પણ સારો રહ્યો છે. શમીએ 64 ટેસ્ટ મેચમાં 229 વિકેટ લીધી છે.