મંકી કેપમાં કેમેરો સાચવીને પંચ કૈલાસ યાત્રાની અદ્ભૂત ફોટોગ્રાફી

Spread the love

તસવીરકાર સલીલ મહેતાના પંચ કૈલાસ યાત્રાના ફોટાનું અક્ઝિબિશન નવજીવન ટ્રસ્ટાની સત્ય આર્ટ ગેલેરીમાં 31 મે સુધી બપોરે 12થી રાતના નવ વાગ્ચા સુધી ચાલશે

અમદાવાદ

મોબાઈલના યુગમાં ફોટોગ્રાફી દરેક માટે સુલભ અને સરળ બની છે છતાં આર્ટ ફોટોગ્રાફીની વાત આવે એટલે ગણ્યાગાંઠ્યા નામ સામે આવે. એક વિશેષ વિષય સાથે ફોટોગ્રાફી કરનારા ફોટોગ્રાફરોમાંના એક સલીલ મહેતાએ દાયકાની મહેનત બાદ પંચ કૈલાસની કપરી યાત્રા ખેડીને અદ્ભૂત ફોટો ગ્રાફી કરી જે ફોટાનું પ્રદર્શન ઝલક નવજીવન ટ્રસ્ટના સત્ય આર્ટ ગેલેરીમાં 31 મે સુધી યોજાયું છે.

સલીલ મહેતાએ તેમના આ સાહસની વાત કરતા કહ્યું કે ભગવાન શિવ અને માતા પાર્વતીના નિવાસસ્થાન એવ કુલ આઠ કૈલાસ પર્વતમાંના પાંચ કૈલાસ પર્વત કૈલાસ માન સરોવર, આદિ કૈલાસ, મણિમહેશ કૈલાસ, શ્રીખંડ કૈલાસ અને કિન્નાર કૈલાસની કપરી પણ રોમાંચ પગપાળા યાત્રા કરીને મેં ફોટોગ્રાફી કરી છે. આ ફોટામાંના 48 ફોટા આ ઝલક પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. હવે તો આ તમામ સ્થળે વાહનો દ્વારા પણ જઈ શકાય છે પરંતુ તેમણે આ યાત્રા કરી ત્યારે વાહનોમાં જવું શક્ય નહતું તેથી મેં પગપાળા યાત્રા કરીને ત્યાંનું સૌંદર્ય મેં કેમેરામાં કંડાર્યું છે.

ચાલીને યાત્રા અને હાડ થિજાવતી ઠંડીમાં ફોટોગ્રાફીનો પડકાર કેવો હતો એ અંગે સલીલ મહેતા કહે છે કે આ તમામ યાત્રા હાઈ એલ્ટિટ્યૂડ ટ્રેકિંગ એક્સપિડીશનની શ્રેણીમાં હોઈ યાત્રા ચોક્કસ ખૂબજ પડકારજનક રહી. જોકે, હું આ પડકારોના સામના માટે પહેલાથી જ સજ્જ હતો છતાં કેટલીક મુશ્કેલીઓ તો આકસ્મિક પણ જોવા મળી પણ મેં એમાં પણ રસ્તો કાઢી લીધો હતો. સૌથી મોટો પડકાર કેમેરાની જાળવણીનો હતો. ખાસ કરીને ઠંડા વાતાવરણમાં બેટરી જલદી ડાઉન થઈ જતી. એમ તો હું બેટરી જલદી ડાઉન ન થાય અને ઠંડીમાં બહુ તકલીફ ન પડે તે માટે મારી પાસેની મંકી કેપમાં કેમેરાને વીંટી રાખીને કેમેરા અને બેટરીને સાચવ્યા હતા. ત્યાંના ગામડાઓમાં વીજળીની પુરતી સગવડ ન હોઈ વીજળી માટેની જનરેટર કે ઈન્વર્ટરની મદદથી બેટરી ચાર્જ કરવી પડતી હતી. જોકે આ વીજળી કેમેરાની બેટરી ચાર્જ કરવા માટે પુરતી રહેતી નહતી. એમ તો મેં બેકઅપ તરીકે બીજી બેટરી પણ સાથે રાખી હતી તેથી આ સમસ્યાનો પણ હું સામનો કરી શક્યો.

યાત્રા દરમિયાન કેવા ફોટા પાડવાનો પડકાર હતો એ બાબતે સલીલ મહેતાએ કહ્યું કે કુદરતી દ્રશ્યોને કેમેરામાં કેદ કરવા સરળ હતા પરંતુ પક્ષીઓના ફોટા પાડવા આસાન નહતા કેમકે પક્ષીઓ સ્થિર રહેતા ન હોઈ આ બાબતે ખૂબજ કાળજી રાખવી પડતી હતી. વળી ભારે ઠંડીમાં હાથ ધ્રૂજતો હોય ત્યારે તેના પર નિયંત્રણ રાખવું પણ મુશ્કેલ હતું. ચાલતા યાત્રામાં સૌથી લાબું અંતર કેટલું હતું એ અંગે તેમણે કહ્યું કે સૌથી લાબું અંતર 250 કિમી કિન્નાર કૈલાસ અને સૌથી ઓછું આદિ  કૈલાસનું અંતર 28 કિમી હતું. 18000 ફૂટની ઊંચાઈથી માઈનસ પાંચ ડીગ્રી ઠંડીમાં ગૌરી કુંડનો ફોટો લેવામાં તેમને ખૂબજ મુશ્કેલી પડી હતી. સલીલ મહેતા આટલેથી અટકવા માગતા નથી તેઓ હજુ પણ હિમાલયના પર્વતો ખૂંદવાનું લક્ષ્ય ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *