સ્કોટ ફ્લેમિંગ ભારતીય બોસ્કેટબોલ ટીમના સૌથી સફળ અમેરિકન કોચ
ભાવનગર
બાસ્કેટબોલ લીગથી ભારતના ખેલાડીઓ અને રમતને ઘણો લાભ થશે, એમ ભારતીય બોસ્કેટબોલ ટીમના અમેરિકન કોચ સ્કોટ ફ્લેમિંગે જણાવ્યું હતું. ભાવનગરમાં રમાઇ રહેલી 74મી સીનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ દરમિયાન સાથેની વાતચીતમાં સ્કોટ ફ્લેમિંગે જણાવ્યુ હતુ કે, ટુંક સમયમાં ભારતમાં પ્રોફેશનલ બાસ્કેટબોલ લીગ આવી રહી છે, અને યુવા પ્રતિભાશાળી ખેલાડીઓ પર નજર રાખવામાં આવી રહી છે, આવા ખેલાડીઓ માટે એકેડેમીના આયોજન પાઇપ લાઇનમાં છે.
ગ્રાસરૂટ લેવલથી પ્રયાસ જરૂરીઃ સ્કોટ
બાસ્કેટબોલની રમત ભારતમાં પ્રચલિત બનાવવા માટે ગ્રાસરૂટ લેવલથી કામગીરી થઇ રહી છે. સ્થાનિક કોચને પણ ક્લીનિક થકી આંતરરાષ્ટ્રીય સ્તરની કોચિંગ સ્કીલથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે. બાસ્કેટબોલની રમતને આંતરરાષ્ટ્રીય સ્તર પર નોંધપાત્ર લેવલ સુધી પહોંચાડવા માટેની શ્રેણીબધ્ધ તૈયારીઓ ચાલી રહી હોવાનું ફ્લેમિંગ કહ્યું હતું.

લીગથી રોજગારી વધશે અને રમતની આર્થિક સ્થિતિ સુધરશે
દરેક ખેલાડી માટે રોજગાર અને આર્થિક બાબતો યુવાવસ્થામાં મહત્વપૂર્ણ હોય છે, અને પ્રોફેશનલ લીગના પ્રારંભ થવાથી યુવા ખેલાડીઓને નાણા મળશે અને તેઓ બાસ્કેટબોલને એક કારકીર્દિ તરીકે કોઇપણ જાતની ચિંતા વિના સ્વીકારી શકશે, એમ જણાવી સ્કોટે ઉમેર્યું હતું કે, ભારતના ખેલાડીઓ સાથે મેં અગાઉ પણ કામ કરેલુ છે, તેઓ મહેનતુ અને સતત નવું શીખવા માટે તત્પર હોય છે. સ્ટ્રેન્થનિંગ અને કન્ડીશનિંગ માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે. સીનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં નવા અને યુવા ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે, ભવિષ્યમાં જૂનિયર લેવલની નેશનલ ટુર્નામેન્ટોમાંથી પણ પ્રતિભાશાળી ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.
ભારતમાં પ્રતિભાની કમી નથીઃ ભારતીય કોચ
ભારતમાં પ્રતિભાની કોઇ કમી નથી, ક્રિકેટ બાદની સૌથી વધુ લોકપ્રિય રમત તરીકે બાસ્કેટબોલને શ્રેણીમાં લાવવા માટે ફેડરેશન દ્વારા પણ શ્રેણીબધ્ધ કાર્યક્રમો લાવવામાં આવી રહ્યા છે. ભારતમાં યુવા ખેલાડીઓ શોધવા માટે ટેલેન્ટ હન્ટ, ટેલેન્ટ રીસર્ચ વિંગ વડે મદદ મળશે અને આવા યુવા ખેલાડીઓને એકેડેમીમાં તાલીમબધ્ધ કરવામાં આવશે, એમ સ્કોટ ફ્લેમિંગે ભારતમાં બાસ્કેટબોલના ભવિષ્ય પર વાત કરતા કહ્યું હતું.
સ્કોટ ફ્લેમિગ અગાઉ પણ ભારતીય ટીમના કોચ હતા
67 વર્ષીય અમિકન સ્કોટ ફ્લેમિંગ હાલમાં ભારતીય બોસ્કેટબોલ ટીમના કોચ છે. અગાઉ તેમણે 2012થી 2015 સુધી સ્કોટ ભારતીય ટીમના કોચ તરીકે ભૂમિકા અદા કરી હતી. સ્કોટ 38 વર્ષનો બોસ્કેટબોલમાં અનુભવ ધરાવે છે. ફ્લેમિંગ ભારતીય બાસ્કેટબોલના સૌથી સફળ કોચ મનાય છે.