યુએસએ માત્ર વિવાદ ટાળવા જેવી વાતો કહી છે, પરંતુ ખુલ્લેઆમ કોઈ એક દેશનો પક્ષ લેવાનું ટાળ્યું છે
નવી દિલ્હી
કેનેડા અને ભારત વચ્ચે ફરી એકવાર વિવાદ વધતો જઈ રહ્યો છે. નિજ્જર હત્યા કેસ મામલે બંને દેશો વચ્ચેના સંબંધો વણસ્યા છે. આ વાતના પડઘા વિશ્વના અન્ય દેશોમાં પડી રહ્યા છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટેન જેવા દેશોએ આ અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે, જ્યાં સૌથી વધુ શીખ સમુદાયના લોકો રહે છે. આ વચ્ચે ભારતની પડખે આવેલ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેકના કહેવા મુજબ તે દિલ્હી સાથે આ મામલે સતત સંપર્કમાં છે. તેમણે આ મામલે કહ્યું કે, કોઈ પણ દેશને આવા મામલામાં વિશેષ છૂટ આપવામાં આવી નથી. અમેરિકા તેના મૂળ સિદ્ધાંત સાથે અડગ છે.
ભારતની રશિયા અને ચીન સાથેની સરખામણીને પણ અમેરિકાએ એકદમ નકારી કાઢી હતી. જેક સુલિવને સરખામણી પર વાંધો ઉઠાવતા કહ્યું કે, ભારત રશિયા અને ચીન જેવું નથી. સુલિવને એક વાતચીતમાં કહ્યું કે, અમેરિકા કેનેડાના આરોપો અંગે ગંભીર છે. અમે તપાસને સમર્થન આપીએ છીએ અને માનીએ છીએ કે ગુનેગારોને સજા મળવી જોઈએ.
અમૂક નિષ્ણાતો એવું પણ માની રહ્યા છે કે, ભારત અને કેનેડામાં સર્જાયેલા તણાવ અમેરિકા માટે પણ એક કસોટી સમાન છે. તેનું કારણ એ છે કે, એક તરફ તે ભારતની મદદથી એશિયામાં ચીનનો મુકાબલો કરવા માંગે છે તો બીજી તરફ રશિયા અને યુક્રેનના મુદ્દે પણ ભારતનું સમર્થન મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં જો તે કેનેડાના મુદ્દે ભારતની વિરૂદ્ધ થશે તો મુશ્કેલી પડશે. આ જ કારણ છે કે અમેરિકા આ મામલે સાવધાનીથી કામ કરી રહ્યું છે. અત્યાર સુધી તેણે માત્ર વિવાદ ટાળવા જેવી વાતો કહી છે, પરંતુ ખુલ્લેઆમ કોઈ એક દેશનો પક્ષ લેવાનું ટાળ્યું છે.