ટીમ ઈન્ડિયા 29મી ઓક્ટોબરના ઈંગ્લેન્ડ સામે અને ત્યાર બાદ બીજી નવેમ્બરના શ્રીલંકા સામે તથા 5 નવેમ્બરે વિરાટચના જન્મદીને દ.આફ્રિકા સામે મેચ રમવાની છે
નવી દિલ્હી
વર્લ્ડકપ 2023ની તમામ મેચમાં ટીમ ઈન્ડિયા એકદમ ફોર્મમાં છે અને એમાં પણ વિરાટ કોહલીની વાત કરીએ તો તે એકદમ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. દરમિયાન વિરાટના ફેન્સ હવે સેન્ચ્યુરીની હાફ સેન્ચ્યુરી ફટકારતા જોવા માગે છે. કિંગ કોહલી વન-ડે ઇન્ટરનેશનલમાં આ મોટી ઉપલબ્ધિને હાંસલ કરવાથી માત્ર 2 જ સદી દૂર છે. કોહલી એક સદી ફટકારતાંની સાથે જ સચિન તેન્ડુલકરની 49 સદીની બરાબરી કરી લેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્લ્ડકપમાં જ કોહલીએ બાંગ્લાદેશ વિરૂદ્ધ પોતાની 48મી વન-ડે સદી ફટકારી હતી અને ત્યાર બાદ બીજી મેચમાં ન્યુઝીલેન્ડની સામેની મેચમાં 95 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. પરંતુ હવે ભારતના પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે ભવિષ્યવાણી કરી દીધી છે કે કોહલીના બેટથી 50મી સદી કઇ તારીખે નીકળશે.
ટીમ ઈન્ડિયા આગામી મેચ 29મી ઓક્ટોબરના ઈંગ્લેન્ડ સામે અને ત્યાર બાદ બીજી નવેમ્બરના શ્રીલંકા સામે મેચ રમવાની છે. પરંતુ સુનીલ ગાવસ્કરનું એવું કહેવું છે કે, આ બંને મેચમાંથી કોઈ પણ એક મેચમાં સેન્ચ્યુરી ફટકારીને કોહલી 49મી સેન્ચ્યુરી ફટકારીને સચિન તેન્ડુલકરના રેકોર્ડની બરાબરી કરી લેશે. ત્યાર બાદ વિરાટ કોહલી 50મી સદી તેના જ જન્મદિવસ પર એટલે કે 5મી નવેમ્બરના રોજ ફટકારશે. અત્રે ઉલ્લેખનીય છે કે 5મી નવેમ્બરના ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકાની સામે ઇડન ગાર્ડન ખાતે રમશે.
વર્લ્ડકપ 2023માં વિરાટ કોહલીના પર્ફોર્મન્સની વાત કરીએ તો તે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. ભારત માટે પહેલી 5 મેચોમાં તેની બેટિંગથી 4 મેચમાં તો 50 પ્લસનો સ્કોર કર્યો છે અને એમાં એક સેન્ચ્યુરીનો સમાવેશ પણ થાય છે. એવું કહેવાઈ રહ્યું છે કે કોહલીના ક્રિકેટ કરિયરનો કદાચ આ છેલ્લો વર્લ્ડકપ હોઇ શકે છે.
વર્લ્ડ કપ 2023ની પાંચ મેચોની 5 ઇનિંગમાં વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 118ની સરેરાશ અને 90.54ના સ્ટ્રાઇક રેટથી કુલ 354 રન બનાવવામાં સફળતા હાંસિલ કરી છે. આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રન કરવાના મામલે વિરાટ ક્વિંટન ડિકોક બાદ બીજા નંબરે આવે છે.