કેન્દ્રિય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર પણ ઈર્યાક્ષ અગ્રવાલને મળ્યા
નવી દિલ્હી
ભારતમાં ક્રિકેટને એક ધર્મ તરીકે જોવામાં આવે છે અને આ રમતને ચાહનાર વર્ગ ભારતમાં મોટો છે એટલે જ બાળકોમાં ક્રિકેટર બનવાની ઈચ્છા વધારે રહે છે ત્યારે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં એક પોસ્ટર ખુબ જ વાયરલ થયું હતું જેમાં એક બાળકે લખ્યું હતું કે હું એક દિવસ ભારત માટે રમીશ. કેન્દ્રિય રમત મંત્રી પણ તેને મળવા પહોંચ્યા હતા.
ભારત-ન્યુઝીલેન્ડની મેચ દરમિયાન ઈર્યાક્ષ અગ્રવાલ નામના એક બાળકે પોસ્ટરમાં લખ્યુ હતું કે હું એક દિવસ ભારત માટે રમીશ મને યાદ રાખજો, ખાસ વાત એ છે કે કેન્દ્રિય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર પણ ઈર્યાક્ષ અગ્રવાલને મળ્યા હતા. અનુરાગ ઠાકુરે તેની તસવીર પણ એક્સ (અગાઉનું ટ્વિટર) પર શેર કરી હતી. આ તસવીર શેર કરતી વખતે અનુરાગ ઠાકુરે ક્રિકેટ રમવા અને ક્રિકેટ પ્રત્યે પ્રેમ દર્શાવવા બદલ ઈર્યાક્ષ અગ્રવાલની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત કહ્યું હતું કે યુવાન ઈર્યાક્ષના દ્રઢ સંકલ્પ અને સપનાને જોઈને ખુબ જ આનંદ થયો. પ્લેકાર્ડથી પિચ સુધીની તમારી સફરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. આગળ લખ્યું કે અમે બધા સાથે મળીને તમારા સપનાને હકીકતમાં ફેરવીશું.
આ તસવીર જોયા બાદ લોકો ઘણી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે ક્રિકેટ પ્રત્યેનો આવો જુસ્સો બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે તમારા સપના પૂરા કરવામાં અમે બધા તમારી સાથે છીએ.