ભારતે આતંકવાદી હુમલા માટે હમાસની નિંદા કરી, એક મજબૂત સરકાર અને એક સારી સરકાર એક જ સિક્કાની બે બાજુ છે: જયશંકર
નવી દિલ્હી
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, જો ભારત અન્ય દેશોને અસર કરતા આતંકવાદને ગંભીર ન ગણે તો તેની કોઈ વિશ્વસનીયતા નહીં રહે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે કે જ્યારે હમાસ-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને ભારતે ગાઝા સંઘર્ષ વિરામ પર સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવથી અંતર જાળવી રાખ્યુ છે. ભારતે આતંકવાદી હુમલા માટે હમાસની નિંદા કરી છે.
જયશંકરે કહ્યું કે, અમે આતંકવાદ પ્રત્યે કડક વલણ અપનાવીએ છીએ કારણ કે, આપણે આતંકવાદના મોટા પીડિત છીએ. જો આપણે કહીએ કે, જ્યારે આતંકવાદ આપણને અસર કરે છે ત્યારે તે ગંભીર છે અને જ્યારે તે કોઈ અન્યને અસર કરે છે ત્યારે તે ગંભીર નથી તો આપણી કોઈ વિશ્વસનીયતા નહીં રહેશે. આપણે સતત એક સ્થિતિ જાળવી રાખવાની જરૂર છે.
વિદેશ મંત્રી જયશંકરે ભોપાલમાં એક કાર્યક્રમમાં ભઆગ લેતા ભારતના વિભિન્ન વિદેશી મામલાના વલણ વિશે જણાવ્યું અને કહ્યું કે, જે રીતે ઘરમાં સુશાસન જરૂરી છે એવી જ રીતે વિદેશમાં પણ યોગ્ય નિર્ણય જરૂરી છે.
તેમણે કહ્યું કે, હું તમને યુક્રેનનું ઉદાહરણ આપીશ. મને ખબર છે કે, એ વાત પર ખૂબ ધ્યાન આપવામાં આવ્યુ હતું કે, આપણે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાના પોતાના અધિકાર અંગે કડક વલણ અપનાવ્યું. પરંતુ હું ઈચ્છું છું કે તમે વિચારો કે, જો આપણે દબાણ આગળ ઝૂકી ગયા હોત અને જો આપણે એ વિકલ્પ ન અપનાવ્યો હોત તો કલ્પના કરો કે પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમત કેટલી વધારે હોત. દેશમાં મોંઘવારી કેટલી વધી ગઈ હોત તેની કલ્પના કરો. આ માત્ર ગર્વની વાત નથી કે સ્વતંત્રતાનું નિવેદન નથી. એક સારી સરકાર તેના લોકોના પડખે ઊભી હોય છે.
તેમણે આગળ કહ્યું કે, યુરોપના એ જ દેશો જેમણે કહ્યું હતું કે, તેઓ રશિયા પાસેથી ઓઈલ નહીં ખરીદતા. તેઓ તેને ખરીદી રહ્યા છે અને એ સુનિશ્ચિત કરી રહ્યા હતા કે, તેમના લોકો પ્રભાવિત ન થાય. આપણા પર દબાણ રહેશે. કારણ કે આ જ સંસારનો સ્વભાવ છે. એક મજબૂત સરકાર અને એક સારી સરકાર એક જ સિક્કાની બે બાજુ છે.
સંયુક્ત રાષ્ટ્રના મતદાનમાં ભારતે હમાસની નિંદા પર એક ટેક્સ્ટ સામેલ કરવા માટે પ્રસ્તાવમાં સુધારો કરવા માટે કેનેડાના પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. જોકે, તેને અપનાવવામાં ન આવતા ભારતે મતદાનથી અંતર જાળવી રાખ્યુ હતું. સંયુક્ત રાષ્ટ્રમાં નાયબ સ્થાયી પ્રતિનિધિ યોજના પટેલે કહ્યું કે, આતંકવાદ એક ઘાતક બીમારી છે અને તેની કોઈ સરહદ, રાષ્ટ્ર કે જાતિ નથી હોતી.