ડીઆઈજીપી દિપેન ભદ્રમ, ડીવાયએસપી ભાવેશ રુઝીયા સહિત ગુજરાતમાંથી 20 પોલીસ અધિકારીઓને સન્માન પ્રાપ્ત થશે
નવી દિલ્હી
કેન્દ્રીય ગૃહમંત્રીના સ્પેશિયલ ઓપરેશન મેડલ-2023 માટે ગુજરાતના 20 સહિત 204 પોલીસ અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. ડીઆઈજીપી દિપેન ભદ્રમ, ડીવાયએસપી ભાવેશ રુઝીયા સહિત ગુજરાતમાંથી 20 પોલીસ અધિકારીઓની મેડલ માટે પસંદગી કરાઈ છે. મણિપુર પોલીસના મહાનિદેશક રાજીવ સિંહ તેમજ જમ્મુ-કાશ્મીરમાં વિવિધ હોદ્દાઓ પર કાર્ય કર્યા બાદ કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)માં તૈનાત થનારા વરિષ્ઠ આઈપીએસ અધિકારી અમિક કુમારનું નામ પણ યાદીમાં સામેલ છે.
એવોર્ડ માટે 10 રાજ્યો અને ત્રણ કેન્દ્રીય એજન્સીઓમાંથી 204 પોલીસ અધિકારીઓની પસંદગી કરાઈ છે, જેમાં સીઆરપીએફમાંથી 20, એનઆઈએમાંથી 9, એનસીબીમાંથી 14, આંધ્રપ્રદેશમાંથી 12, આસામમાંથી પાંચ, ગુજરાત માંથી 20, ઝારખંડ માંથી 16, મધ્યપ્રદેશમાંથી 21, તમિલનાડુ માંથી 19, તેલંગણા માંથી 22, ત્રિપુરા માંથી 2, પશ્ચિમ બંગાળમાંથી 10 અને ઉત્તરાખંડ માંથી 3 પોલીસ અધિકારીઓની એવોર્ડ માટે પસંદગી કરાઈ છે.
હાઈ લેવલના ઓપરેશનોમાં મહત્વની ભૂમિકાને ધ્યાને લઈ વર્ષ 2018માં આ એવોર્ડની શરૂઆત કરાઈ હતી. આ એવોર્ડ આતંકવાદ સામે મુકાબલો, સરહદ પાર કાર્યવાહી, હથિયાર નિયંત્રણ, કેફી પદાર્થોની તસ્કરી અટકાવી જેવા ક્ષેત્રોમાં આપવામાં આવે છે. આ એવોર્ડ દર વર્ષે 31મી ઓક્ટોબરે પોલીસ કર્મચારીઓને આપવામાં આવે છે.