અદાણી મેરેથોનની આઠમી સિઝન 24 નવેમ્બરનાં રોજ યોજાશે
અમદાવાદ
પ્રતિષ્ઠિત અદાણી અમદાવાદ મેરેથોનની આઠમી સિઝનની ઈવેન્ટનો 24 નવેમ્બરે ચેસ ગ્રાન્ડ માસ્ટર આર. પ્રજ્ઞાનનંદા અને એથ્લિટ-એક્ટર સય્યામી ખેર પ્રારંભ કરાવશે. અદાણી મેરેથોનનો પ્રારંભ સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્કથી શરૂ અને પૂર્ણ થશે, જેનું સંચાલન અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા કરવામાં આવશે.
સ્પર્ધકો ફુલ મેરેથોન (42.195 કિ.મી.), હાફ મેરેથોન (21.097 કિ.મી.), 10 કિ.મી. અને 5 કિ.મી. રનમાં ભાગ લઈ શકશે. અદાણી અમદાવાદ મેરેથોનને એસોસિએશન ઓફ ઈન્ટરનેશનલ એન્ડ ડિસ્ટન્સ રેસિસ દ્વારા માન્યતા આપવામાં આવેલી છે. 2023માં અદાણી અમદાવાદ મેરેથોનનો રુટ પ્રથમવાર બદલવામાં આવ્યો હતો અને બીજી સિઝનમાં પણ ગાંધી આશ્રમ, અટલ બ્રિજ અને એલિસ બ્રિજ જેવા ઐતિહાસિક સ્થળોએથી થઈને પસાર થશે. ગત સિઝનમાં 22 હજાર જેટલા સ્પર્ધકોએ તેમા ભાગ લીધો હતો.
“#Run4OurSoldiers” કેમ્પેન હેઠળ આ મેરેથોન ભારતીય સુરક્ષાદળોને સન્માનિત કરે છે. જેના ભાગરુપે એક મહત્ત્વપૂર્ણ આવક સુરક્ષાદળોના વેલફેર ફંડમાં આપવામાં આવે છે. ગત વર્ષે 2500 સુરક્ષા જવાનોએ આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. જે દર્શાવે છે કે સ્પોર્ટિંગ સમુદાય અને સુરક્ષાદળો વચ્ચે કેટલું મજબૂત સંબંધ છે.
અદાણી એન્ટરપ્રાઈઝના ડિરેક્ટર પ્રણવ અદાણીએ કહ્યું કે,” એકમાત્ર મેરેથોન જે “#Run4OurSoldiers” કેમ્પેન થકી જવાનોને સમર્પિત છે તેણે અમદાવાદ મેરેથોનને વિશેષ બનાવી છે. વર્ષ 2017માં તેના પ્રારંભથી જ આ મેરેથોન ભારતની સૌથી વધુ રાહ જોવાતી મેરેથોન રેસમાંથી એક બની ગઈ છે.”
ઈન્ટરનેશનલ ચેસ ફાઉન્ડેશન દ્વારા જાહેર કરાતી રેન્ક અનુસાર વર્લ્ડ નંબર 12 એવા આર. પ્રજ્ઞાનનંદા એ આ અંગે કહ્યું કે,”હું અદાણી અમદાવાદ મેરેથોનનો ભાગ બનીને ખુશ છું. ચેસની જેમ મેરેથોન તમને યોજના અને મક્કમ ઈરાદા માટે આગળ વધારે છે, જેના કારણે તમે તમારી ક્ષમતામાં વધારો કરો. આ ઈવેન્ટ માત્ર ફિટનેસને પ્રોત્સાહન નથી આપતી પરંતુ તે સુરક્ષાદળોને પણ સમર્થન આપી રહી છે. જે આ મેરેથોનને વધુ મહત્ત્વપૂર્ણ બનાવે છે.”
સય્યામી ખેર એ સપ્ટેમ્બર 2024માં જર્મની ખાતે આયર્નમેન 70.3 ટ્રાય્થલોનમાં ભાગ લીધો અને તેને સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. તે આયર્નમેન ફિનિશ કરનાર પ્રથમ ભારતીય એક્ટર બની. આ અંગે સય્યામી ખેર એ પણ કહ્યું કે,”રનિંગ કેલેન્ડરમાં અદાણી અમદાવાદ મેરેથોન એ સૌથી ચર્ચિત ઈવેન્ટ બની ગઈ છે. આ ઈવેન્ટ સાથે જોડાવવું એ સન્માનજનક વાત છે.”
આ સિઝનની દોડ માટેના રજીસ્ટ્રેશન ગત મહિને જ બંધ થયા હતા.