અમદાવાદ
એમપી-ગો ગોલ્ફ ઈવેન્ટ કેલેન્ડર 2023ના ભાગરૂપે યોજાયેલી ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર (GGOY 2023)માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રમતવીરોને 19મી જાન્યુઆરીએ ગુલમહોર ગ્રીન્સ- ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે ઈનામ વિત્તરણ કાર્યક્રમમાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં GGOY 2024 ટુર્નામેન્ટનું કેલેન્ડર પણ જારી કરવામાં આવ્યુ હતું.
GGOY 2023ની ઈવેન્ટમાં આકરી હરિફાઈ જોવા મળી હતી. જુદા-જુદા રાઉન્ડમાં રસાકસી રહેતાં રનરઅપ અને વિજેતાઓની વચ્ચે એકથી બે પોઈન્ટનું જ અંતર જોવા મળ્યું હતું. કુલ 11 રાઉન્ડમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપનારા વિજેતાઓને તેમની કેટેગરીમાં પ્રતિષ્ઠિત ક્લેરેટ જગ રેપ્લિકાથી સન્માનિત કર્યા હતા.
હાઈ હેન્ડિકેપ કેટેગરીમાં 248 સ્ટેબલફોર્ડ પોઈન્ટ સાથે કમલેશ તિવારી, જ્યારે 245 પોઈન્ટ સાથે સુખદેવસિંહ પાનેસર રનરઅપ રહ્યા હતા. સંજીવકુમાર મીડ હેન્ડિકેપ કેટેગરીમાં 251 સ્ટેબલફોર્ડ પોઈન્ટ્સ સાથે વિજેતા અને ગુરપ્રિત સિંહ મલિક 248 પોઈન્ટ સાથે રનરઅપ રહ્યા હતા.
લો હેન્ડિકેપ કેટેગરીમાં 255 સ્ટેબલફોર્ડ પોઈન્ટ સાથે રવિ શાહ વિજેતા અને 252 પોઈન્ટ સાથે અવતારસિંહ પાનેસર રનરઅપ રહ્યા હતા.
જુનિયર કેટેગરીમાં દેવજીતસિંહ પાનેસર 268 સ્ટેબલફોર્ડ પોઈન્ટ સાથે વિજયી બન્યા હતા. જ્યારે જુહી માવાણી 251 પોઈન્ટ સાથે રનરઅપ રહ્યા હતા.
એમપી ફાઈનાન્સિયલ- ગો ગોલ્ફ કેલેન્ડર 2023ના ભાગરૂપે યોજાયેલી 19 ટુર્નામેન્ટમાં લગભગ 1000 ગોલ્ફર્સે ભાગ લીધો હતો. જેમાં ભાગ લેનારા પ્રતિસ્પર્ધીઓને ટુર્નામેન્ટ દરમિયાન તેમના પર્ફોર્મન્સ માટે 5.5 લાખ રિવોર્ડ પોઈન્ટ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ રિવોર્ડ પોઈન્ટ્સ રૂ. 5.50 લાખ રૂપિયા સમકક્ષ છે. જેનો ઉપયોગ ક્લબમાં પ્રોશોપમાંથી ગોલ્ફિંગના સાધનો ખરીદવા માટે કરી શકે છે.
ટોચની ફાઈનાન્સિયલ સર્વિસિઝ પ્રોવાઈડર એમપી ફાઈનાન્સિયલ સર્વિસિઝ 2024માં યોજાનારી ટુર્નામેન્ટની પણ ટાઈટલ સ્પોન્સર તરીકેની ભૂમિકા જારી રાખશે. અન્ય સ્પોન્સર પણ આ વર્ષે તેમની સ્પોન્સરશિપ જારી રાખશે.