ગાંધીધામ
ભારતનાં નંબર-2 પેડલર એવા માનવ ઠક્કરે યુએસએનાં ટેક્સાસમાં આયોજીત WTT ફિડર કોર્પ્સ ક્રિસ્ટી 2024 ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતા બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વર્લ્ડ નંબર-88 માનવ ઠક્કરને પોર્ટુગલનાં વર્લ્ડ નંબર 141 જોઆઓ મોન્ટેરિયો સામે 1-3(11-8, 8-11, 11-13, 9-11)થી પરાજયનો સામનો કર્યા બાદ બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો.
23 વર્ષીય સુરતી ખેલાડીએ પોતાની સેમિફાઈનલ સુધીની યાત્રા દરમિયાન મેક્સિકોનાં વર્લ્ડ નંબર 70 માર્કોસ મેડ્રિડને 3-0 (11-5, 11-6, 11-9)થી માત આપી હતી.
જે પછી માનવે આર્જેન્ટિનાનાં વર્લ્ડ નંબર-92 હોરાસીયો સીફુએન્ટ્સને પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં 3-0 (11-5), 11-6, 11-9)થી માત આપી હતી.
માનવે ક્વાર્ટર ફાઈનલમાં ઈટાલીનાં વર્લ્ડ નંબર-121 નિયાગોલ સત્યોનોવ સામે 3-1 (11-1, 11-6, 7-11, 12-10)થી જીત મેળવી સેમિફાઈનલમાં એન્ટ્રી કરી હતી.
ભારતનાં નંબર-1 પેડલર હરમિત દેસાઈ એ બ્રાઝિલનાં વર્લ્ડ નંબર-96 વીટોર ઈસીને રાઉન્ડ ઓફ 32માં અને અમેરિકાનાં નિખિલ કુમાર (વર્લ્ડ નંબર 859)ને 3-1થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.
30 વર્ષીય હરમિત વર્લ્ડ નંબર-47 એવા કઝાકિસ્તાનનાં ગેરાસ્સીમેંકો સામે 1-3થી હારતા તેના અભિયાનનો અંત આવ્યો હતો.
ગુજરાતી સ્ટાર માનવવ ઠક્કરે કહ્યું કે,”સમગ્ર મીટ દરમિયાન સારું રમ્યો, હું WTT ફિડરમાં મારા પ્રદર્શનથી ખુશ છું.”