આ રકમ ટેકનિકલ ફોલ્ટના કારણે ગ્રાહકોના એકાઉન્ટમાં જમા થઈ છે, જેને પરત લેવાની કામગીરી જારી, 79 ટકા રકમ પરત આવી ગઈ
નવી દિલ્હી
દેશની સરકારી યુકો બેંકના ગ્રાહકોના એકાઉન્ટમાં નાણાંનો વરસાદ થઈ ગયો છે, જોકે બેંકની ભુલને કારણે લગભગ 820 કરોડ રૂપિયા જમા થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. બેંકે જણાવ્યું કે, આ રકમ ટેકનિકલ ફોલ્ટના કારણે ગ્રાહકોના એકાઉન્ટમાં જમા થઈ છે, જેને પરત લેવાની કામગીરી ચાલી રહી છે.
યુકો બેંકે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 649 કરોડ રૂપિયા એટલે કે 79 ટકા રકમ પરત આવી ગઈ છે. બેંકે કહ્યું કે, આ રકમ ઈમિડિએટ પેમેન્ટ સિસ્ટમ (આઈએમપીએસ) દ્વારા બેંકના કેટલાક એકાઉન્ટમાં ભુલથી જમા થઈ ગઈ હતી.
યુકો બેંકે આજે નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું કે, બેંકે વિવિધ પગલા ભરી રિસીવ એકાઉન્ટોને બ્લોક કરી દીધા છે અને 820 કરોડ રૂપિયામાંથી 649 કરોડ રૂપિયા પરત મેળવી લીધા છે. આમ કુલ રકમમાંથી 79 ટકા રકમ પરત મેળવી લેવાઈ છે. જોકે આમ ટેકનિકલ કારણે થયું છે કે, હેકના કારણે, તેની બેંક તપાસ કરી રહી છે.
યુકો બેંકે અત્યાર સુધીમાં 649 કરોડ રૂપિયા પરત મેળવી લીધા છે, જ્યારે હાલ બાકીના 171 કરોડ રૂપિયા પરત મેળવવાની કામગીરી કરી રહ્યું છે. દરમિયાન બેંકને ધ્યાને આવ્યું કે, 10થી 13 નવેમ્બર દરમિયાન આઈએમપીએસમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે કેટલાક ગ્રાહકોના એકાઉન્ટમાં રકમ ક્રેડિટ થઈ ગઈ છે.
ઉલ્લેખનિય છે કે, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) દ્વારા આઈએમપીએસ પ્લેટફોર્મનું સંચાલન કરવામાં આવે છે. આઈએમપીએસ એક રિયલ ટાઈમ ઈન્ટરબેંક ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર સિસ્ટમ છે, જે કોઈપણ બેંકના હસ્તક્ષેપ વગર નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે.