રેલવેના એક એન્જિનિયરની છત્તીસગઢનાં બિલાસપુરથી સીધી દિલ્હીમાં બદલી કરવાનો હુકમ જારી કરાયો
નવી દિલ્હી
રેલવે મેનેજમેન્ટનો એક અજીબો ગરીબ હુકમ જાણવા મળ્યો છે. જેમાં દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના એક એન્જિનિયરની નિવૃત્તિના ૩ દિવસ પૂર્વે છત્તીસગઢનાં બિલાસપુરથી સીધી દિલ્હીમાં બદલી કરવાનો હુકમ જારી કરાયો હોવાનું જાણવા મળ્યું છે.
વાસ્તવમાં તે એન્જિનિયર નિવૃત્ત થવાના છે, તે જાણ્યા પછી તેના સ્ટાફના સભ્યોએ તેઓને ભવ્ય વિદાયમાન આપવા પાર્ટીનું આયોજન કર્યું હતું. ત્યાં તે ઇજનેરને આ હુકમ મળતાં તેણે સ્ટાફ મેમ્બર્સને જણાવી દીધું કે પાર્ટીનો વિચાર જ છોડી દો, મારે તો કાલે દિલ્હી જવા નીકળવાનું છે.
આ બદલી હુકમ મળતાં તે ઇજનેરે તુર્ત જ રેલવે બોર્ડને પોતાનાં પર્સનલ કોમ્પ્યુટર ઉપરથી પત્ર લખી મોકલ્યો હતો કે, મને દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેમાંથી ઉત્તર રેલવે (નોર્થ-રેલવે)માં બદલી કરી. અહીંથી (બિલાસપુર)થી સેંકડો માઈલ દૂર રહેલા દિલ્હી મોકલવામાં આવ્યો છે. આ એક નર્યું પાગલપન છે. કારણ કે દિલ્હી પહોંચી હું મારો ચાર્જ સંભાળું તેના ત્રીજા દિવસે તો મારે નિવૃત્ત થવાનું છે. જો કે મને અહીંથી ત્યાં જવા માટે ભત્થા તરીકે રૂ. ૩ લાખ પણ મળવાના છે. પરંતુ તે જનતાના પૈસાની પૂરી બર્બાદી છે. કારણ કે ત્રીજા દિવસે તો મારે નિવૃત્ત થવાનું છે.
જોઈએ હવે રેલવે બોર્ડ શો નિર્ણય લે છે. પરંતુ તે મોટા ખાતામાં તો આવું કેટલુંએ ચાલતું હશે જેની જનતાને ખબર પણ નહીં પડતી હોય. તેવું નિરીક્ષકોનું મંતવ્ય રહ્યું છે.