બંને આરોપીઓ પુલ ખાતે ટિકિટ કલેક્શનના કામમાં જોડાયેલા હતા અને બેદરકારી રાખી ટિકિટ વેચાણ મામલે પોલીસે ધરપકડ કરી હતી
અમદાવાદ
મોરબી ઝૂલતા બ્રિજ તૂટવાની દુર્ઘટના કેસમાં બે આરોપીએને હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે આરોપીઓની જામીન અરજી માન્ય રાખી દીધી છે. જો કે બંને આરોપીઓને શરતી જામીન આપવામાં આવ્યા છે. આ બંને આરોપીઓ પુલ ખાતે ટિકિટ કલેક્શનના કામમાં જોડાયેલા હતા અને બેદરકારી રાખી ટિકિટ વેચાણ મામલે પોલીસે ધરપકડ કરી હતી.
મોરબી ઝૂલતા બ્રિજ કેસમાં કોર્ટે આરોપીઓની નિયમિત જામીન મંજૂર કર્યા છે. ટિકિટ વિતરણ અને કલેક્શનના કામમાં જોડાયેલા બંને આરોપી મહાદેવ સોલંકી અને મનસુખ પટેલને પોલીસ તપાસમાં સહકાર આપવાની શરતે જામીન આપ્યા છે. મોરબી પુલ દુર્ઘટના બની તે દિવસે 3165 ટિકિટો વેચી હોવાનો તપાસમાં ખુલાસો થયો હતો. આ મામલે મૃતકોના પરિવારજનો તરફથી અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. પરિજનોનો આરોપ હતો કે ટિકિટોનું બ્લેક માર્કેટિંગ કરાયું હતું જેના કારણે પુલ ઉપર ભીડ વધી હતી અને પુલ તુટી ગયો હતો.
મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલનું રિનોવેશન ઓરેવા કંપનીએ કર્યું હતું. મોરબીનો ઝૂલતો પુલ 26 ઓક્ટોબરથી ખુલ્લો મુકવામાં આવ્યો હતો જો કે બ્રિજ ખુલ્યાના 5 દિવસમાં જ પુલ તુટી ગયો હતો. આ ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 56 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.