નોકરી જોબસ્પીક ઈન્ડેક્સ ના અહેવાલ અનુસાર ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં વ્હાઈટ કોલર જોબમાં 2,433 જોબ પોસ્ટિંગ સાથે 12 ટકાનો ઘટાડો થયો છે જે એક વર્ષ આ સમયગાળામાં 2,781 હતી
નવી દિલ્હી
દેશમાં વ્હાઈટ કોલર જોબ કરનારા લોકો માટે મોટા અહેવાલ સામે આવ્યા છે. તાજેતરમાં જારી થયેલા એક રિપોર્ટ અનુસાર આઈટી-સોફ્ટવેર, ટેલીકોમ અને શિક્ષણ ક્ષેત્રોમાં ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ભરતીઓમાં ઘટાડો નોંધાયો છે. તેમાં વાર્ષિક આધારે 12%નો ઘટાડો નોંધાયો છે.
નોકરી જોબસ્પીક ઈન્ડેક્સ ના અહેવાલ અનુસાર ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં વ્હાઈટ કોલર જોબમાં 2,433 જોબ પોસ્ટિંગ સાથે 12 ટકાનો ઘટાડો થયો છે જે એક વર્ષ આ સમયગાળામાં 2,781 હતી.
ઓક્ટોબર-નવેમ્બર 2023 દરમિયાન ટેલીકોમમાં 18%, શિક્ષણમાં 17% અને રિટેલિંગ સેક્ટરમાં 2022ની તુલનાએ 11% સુધીનું ઓછું હાયરિંગ થયું. જ્યારે હોસ્પિટાલિટી, ટ્રાવેલ ઓટો અને ઓટો સહાયક જેવા ક્ષેત્રોમાં નિમણૂક સ્થિર રહી.
અહેવાલ અનુસાર ઓક્ટોબર-નવેમ્બરમાં આઈટી ક્ષેત્રમાં કુલ હાયરિંગ ગત વર્ષના આ સમયગાળાની તુલનાએ 22 ટકા જેટલું ઘટ્યું હતું. જ્યારે ઊર્જા ક્ષેત્રની કંપનીઓ દ્વારા ઝડપથી વિસ્તરણ અને દેશભરમાં નવી રિફાઈનરીઓની સ્થાપનાને કારણે ઓઈલ અને ગેસ સેક્ટરમાં ગત વર્ષની તુલનાએ ઓક્ટોબર-નવેમ્બરમાં 9 ટકાનું હાયરિંગ વધ્યું. ફાર્મા સેક્ટરમાં પણ 2022ની તુલનાએ ઓક્ટોબર-નવેમ્બરમાં નવું 6%નું હાયરિંગ થયું છે. આ ઉપરાંત વીમા સેક્ટરમાં 5%નો વધારો જોવા મળ્યો.
રિપોર્ટ અનુસાર ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન મશીન લર્નિંગ એન્જિનિયર અને ફુલ સ્ટેક ડેટા સાયન્ટિસ્ટ જેમ કે એઆઈ સંબંધિત સેક્ટરમાં નવી નોકરીઓ ઝડપથી વધી છે. મશીન લર્નિંગ એન્જિનિયરિંગમાં નોકરીઓ એક વર્ષ પહેલાની તુલનાએ 64 ટકા અને ફુલ સ્ટેક ડેટા સાયન્ટિસ્ટમાં 16 ટકા વધી છે.