આરબીઆઈના નિર્ણય બાદ વ્યાજ દર 6.5 ટકા પર યથાવત, રેપો રેટમાં ઘટાડો કરીને સસ્તી લોનની ભેટની લોકોની આશા પર પણી ફરી વળ્યું
નવી દિલ્હી
આરબીઆઈએ સતત 5મી વાર રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી, ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે મોનેટરી પોલિસી કમિટી એ કોઈ ફેરફાર કર્યા વિના રેપો રેટ 6.5 ટકા પર યથાવત રાખ્યો છે.
ભારતીય રિઝર્વ બેંકે ફરી એકવાર રેપો રેટ સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે. આજે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય સમીક્ષા બેઠકના પરિણામોની જાહેરાત કરી હતી. કેન્દ્રીય બેંકે ફરી એકવાર રેપો રેટ યથાવત રાખ્યો છે અને તેમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈના નિર્ણય બાદ ફરી એકવાર વ્યાજ દર 6.5 ટકા પર યથાવત છે. લોકોને આશા હતી કે આ વખતે રિઝર્વ બેંક રેપો રેટમાં ઘટાડો કરીને સસ્તી લોનની ભેટ આપશે, પરંતુ એવું થયું નહીં. સસ્તી લોન માટે તમારે વધુ રાહ જોવી પડશે.
એમપીસીના 6માંથી 5 સભ્યો વ્યાજદરમાં ફેરફાર ન કરવાના નિર્ણયની તરફેણમાં હતા. રેપો રેટની સાથે, ફિક્સ ડિપોઝિટ ફેસિલિટી અને માર્જિનલ ફિક્સ્ડ ફેસિલિટી રેટ પણ સ્થિર રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્ટેન્ડિંગ ડિપોઝિટની સુવિધા 6.25 ટકા જ્યારે માર્જિનલ સ્ટેન્ડિંગ સુવિધા 6.75 ટકા પર જાળવી રાખવામાં આવી છે. શક્તિકાંત દાસે કહ્યું કે નવેમ્બરમાં પીએમઆઈ વધ્યો છે, જ્યારે જીએસટી કલેક્શનમાં પણ વૃદ્ધિ જોવા મળી છે.
આપણે બેન્કમાંથી લોન લઈએ છીએ. તેના બદલામાં આપણે બેન્કને વ્યાજ ચૂકવીએ છીએ. એ જ રીતે બેન્કે પણ તેની જરૂરિયાત અથવા દૈનિક કામકાજ માટે ઘણી રકમની જરૂર પડે છે. તેના માટે બેન્ક ભારતીય રિઝર્વ બેન્ક પાસેથી લોન લે છે. બેન્ક આ લોન પર રિઝર્વ બેન્કને જે વ્યાજ ચૂકવે છે તેને રેપો રેટ કહે છે.
બેન્કને રિઝર્વ બેન્કમાંથી ઓછા વ્યાજ પર લોન મળશે તો તેનો ફંડ એકત્ર કરવાનો ખર્ચ ઘટશે. તેના કારણે તે તેના ગ્રાહકોને સસ્તી લોન આપી શકે છે. તેનો અર્થ એ છે કે રેપો રેટ ઓછો થતાં સામાન્ય ગ્રાહકોની હોમ, કાર અથવા પર્સનલ લોન પરના વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે.
રિવર્સ રેપો રેટ એ રેપોરેટ કરતાં વિપરિત હોય છે. બેન્કોની પાસે આખો દિવસ કામકાજ પછી અનેક વખત મોટી રકમ બાકી રહે છે. બેંક આ રકમ રિઝર્વ બેન્કમાં રાખી શકે છે, જેના પર તેમને વ્યાજ પણ મળે છે. જે દર પર આ વ્યાજ મળે છે તેને રિવર્સ રેપો રેટ કહે છે. રિઝર્વ બેન્કને લાગે કે બજારમાં રોકડ વધુ છે તો તે રિવર્સ રેપો રેટમાં વધારો કરી દે છે, જેથી બેંકો વધુ વ્યાજની કમાણી માટે તેમના નાણાં રિઝર્વ બેન્ક પાસે રાખવા પ્રોત્સાહિત થાય અને આ રીતે તેમની પાસે બજારમાં આપવા માટે નાણાં ઓછા બચે છે.