રાહુલ ગાંધીની મણિપુરથી મુંબઈ સુધીની ભારત ન્યાય યાત્રા ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશેઃ કોંગ્રેસ નેતા
નવી દિલ્હી
લોકસભા ચૂંટણી 2024 માં હાલ 4 મહિનાનો સમય બાકી છે અને ભાજપે તૈયારીઓ ઝડપી બનાવી છે. જ્યારે કોંગ્રેસ તૈયારીની જગ્યાએ અત્યારથી ઈવીએમ પર સવાલો ઊઠાવા લાગી છે. પાર્ટી નેતા સામ પિત્રોડાએ ગુરુવારે કહ્યું કે જો ઇવીએમની ખામીઓને દૂર કરવામાં નહીં આવે તો ભાજપ 400થી વધુ સીટ જીતી જશે.
તેમણે કહ્યું કે આ ચૂંટણી ભારતનું ભાગ્ય નક્કી કરશે. ચૂંટણી પંચ સતત એવા આરોપોને ફગાવી દે છે તેમ છતાં વિપક્ષના નેતા અનેકવાર ઈવીએમ પર સવાલો ઊઠાવતાં રહે છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોના નેતા પણ એવી માગ કરે છે કે ઈવીએમથી આવનારા 100 ટકા વોટમાં વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવે. આટલું જ નહીં વીવીપેટની આ રિસીપ્ટને બોક્સમાં ન રાખવામાં અને એની જગ્યાએ મતદારોને આપવામાં આવે.
તેમણે કહ્યું કે મેં રામમંદિર અંગે જે વાત કહી હતી તેને પણ મારી મચડીને રજૂ કરવામાં આવી. હું એમ કહેવા માગતો હતો કે ધર્મ અંગત મામલો છે અને તેને રાજનીતિ સાથે જોડવામાં ન આવે. મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો હતો કે તેમણે કહ્યું હતું કે મને દુઃખ થાય છે કે આખા દેશમાં રામમંદિરને લઈને ચર્ચા થઇ રહી છે. તેમણે રાહુલ ગાંધીની મણિપુરથી મુંબઈ સુધીની ભારત ન્યાય યાત્રા અંગે કહ્યું કે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. આપણે નક્કી કરવું પડશે કે આપણે આપણા દેશનું ઘડતર કઈ રીતે કરવું છે. 2024ની ચૂંટણી ભારતનું ભવિષ્ય નક્કી કરશે.