કપૂર પરિવારના સભ્યોએ બીજા ધર્મનો તહેવાર મનાવતી વખતે જાણીજોઈને નશીલા પદાર્થોનો ઉપયોગ કર્યાનો ફરિયાદીનો આરોપ
મુંબઈ
બોલીવુડ અભિનેતા રણબીર કપૂર એક વિવાદમાં ફસાઈ શકે છે. તાજેતરમાં જ એનિમલ એક્ટરનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં રણબીર અને તેમના પરિવારના સભ્ય ક્રિસમસ મનાવતા કેક કાપી રહ્યા હતા. જેમાં કેક પર દારૂ નાખીને આગ લગાડવામાં આવી રહી હતી. રણબીર કપૂર કેક કાપતી વખતે ‘જય માતા દી’ બોલતા નજર આવી રહ્યા હતા.
આ વીડિયો વાયરલ થયા બાદ રણબીર કપૂર ખૂબ ટ્રોલ થઈ રહ્યા હતા. હવે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં બુધવારે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી. ફરિયાદ કરનાર સંજય તિવારીએ પોતાના વકીલ દ્વારા દાવો કર્યો કે વીડિયોમાં એનિમલ એક્ટર જય માતા દી કહેતા કેક પર દારૂ અને આગ લગાડતા નજર આવી રહ્યા છે.
ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે હિંદુ ધર્મમાં દેવતાઓનું આહ્વાન કરતા પહેલા અગ્નિ દેવતાનું આહ્વાન કરવામાં આવે છે પરંતુ કપૂર પરિવારના સભ્યોએ બીજા ધર્મનો તહેવાર મનાવતી વખતે જાણીજોઈને નશીલા પદાર્થોનો ઉપયોગ કર્યો. સાથે જ જય માતા દી ના નારા લગાવ્યા. રણબીર કપૂર પર આરોપ લગાવાયો કે તેનાથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી.
ઉલ્લેખનીય છે કે અત્યારે રણબીર કપૂરની ફિલ્મ એનિમલ ખૂબ ચર્ચામાં છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ ખૂબ કમાણી કરી છે. એનિમલ કમાણીના મામલે 500 કરોડની નજીક પહોંચી ગઈ છે. આ ફિલ્મમાં રણબીર કપૂરે રણવિજય સિંહની ભૂમિકા નિભાવી છે. જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તાજેતરમાં જ રણબીર અને આલિયા પોતાની પુત્રી રાહા કપૂર સાથે નજર આવ્યા હતા. રાહાને જોઈને ચાહકોએ કહ્યુ હતુ કે આ બિલકુલ ઋષિ કપૂર જેવી લાગી રહી છે.