આ મામલો અયોધ્યાના તંત્રને ધ્યાને આવતા જ રેસ્ટોરાં માલિકને નોટિસ ફટકારી જવાબ માગવામાં આવ્યો
અયોધ્યા
અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઇ ચૂકી છે. તેની સાથે જ રામના નામે લૂંટનો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર કરાયું હતું જેના ટોપ ફ્લોર પર એક રેસ્ટોરાં આવેલી છે. જેનું નામ ‘શબરી રસોઈ’ છે. જોકે આ રેસ્ટોરાંમાં મળતી ચા-નાસ્તો કે જમવાની વસ્તુઓનો ભાવ જાણી તમારી પણ આંખો પહોળી થઇ જશે.
માહિતી અનુસાર સોશિયલ મીડિયા પર એક બિલ વાયરલ થઇ રહ્યું છે જેમાં અહીંની ચાની કિંમત 55 રૂપિયા અને ટોસ્ટની કિંમત 65 રૂપિયા જણાવાઈ છે. આ મામલો અયોધ્યાના તંત્રને ધ્યાને આવતા જ રેસ્ટોરાં માલિકને નોટિસ ફટકારી જવાબ માગવામાં આવ્યો હતો.
તાજેતરના મામલામાં મલ્ટીલેવલ પાર્કિંગમાં સંચાલિત આ શબરી રસોઈ નામની રેસ્ટોરાંનું એક બિલ વાયરલ થયું હતું જેમાં 2 ચા અને 2 ટોસ્ટની કિંમત 240 રૂ. વસૂલવામાં આવી હતી. તેના પર અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી (એડીએ) ના ઉપાધ્યક્ષ વિશાલ સિંહે અરુંધતિ ભવનમાં ચાલતી રેસ્ટોરાંના સંચાલકને નોટિસ ફટકારી હતી.
આ મામલે અધિકારીએ કહ્યું કે વાયરલ મેસેજમાં દેખાઈ રહેલી ચાની કિંમત સામાન્ય રેટ કરતાં ઘણી વધારે છે. જેના લીધે એડીએની છબિ ખરડાઈ છે. અમે આ મામલે રેસ્ટોરાં માલિકને યોગ્ય કિંમત સાથે 24 કલાકમાં કાર્યાલયને જાણકારી આપવા કહી દીધું છે. જોકે શબરી રસોઈના મેનેજર સત્યેન્દ્ર મિશ્રએ કહ્યું કે અમે અમારી સુવિધાઓ અનુસાર આ ભાવ વસૂલી રહ્યા છીએ. જે નોટિસ આવી છે તેનો જવાબ આપી દઈશું.