વિરાટ કોહલી અને સર ડોન બ્રેડમેને અત્યાર સુધી તેના ટેસ્ટ કરિયરમાં 29 સદી ફટકારી છે
બે ઓવલ
સાઉથ આફ્રિકા સામે બે ઓવલ ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પહેલા જ દિવસે કેન વિલિયમસને સદી ફટકારી હતી. આ સદી સાથે તેણે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. મેચના અંત સુધીમાં, વિલિયમસન 112 રન બનાવી અણનમ રહ્યો હતો. આ સદી સાથે વિલિયમસને માત્ર વિરાટ કોહલી જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સર ડોન બ્રેડમેનને પણ પાછળ છોડી દીધો છે.
કેન વિલિયમસને સાઉથ આફ્રિકા સામે તેના ટેસ્ટ કરિયરની 30મી સદી ફટકારી હતી. જયારે વિરાટ કોહલીએ અત્યાર સુધી તેના ટેસ્ટ કરિયરમાં 29 સદી ફટકારી છે. આ ઉપરાંત પૂર્વ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ બેટ્સમેન સર ડોન બ્રેડમેને પણ તેમના કરિયરમાં 29 સદી ફટકારી હતી. આ સદી સાથે વિલિયમસને શિવનારાયણ ચંદ્રપોલ, મેથ્યુ હેડન અને જો રૂટની બરાબરી કરી લીધી છે.
વિલિયમસન ટેસ્ટની સૌથી ઓછી ઇનિંગ્સમાં 30 સદી ફટકારનાર ચોથો બેટ્સમેન બની ગયો છે. આ મામલે તેણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો છે. પોન્ટિંગે તેની 170મી ટેસ્ટ ઇનિંગ્સમાં તેની 30મી સદી ફટકારી હતી. જ્યારે વિલિયમસને તેની 169મી ટેસ્ટ ઇનિંગ્સમાં તેની 30મી સદી ફટકારી હતી. પૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર આ યાદીમાં ટોચ પર છે. સચિને 159 ઇનિંગ્સમાં તેની 30મી ટેસ્ટ સદી ફટકારી હતી.