ટ્રમ્પનાં સમયમાં થોડા મતભેદો હોવા છતાં ભારત-અમેરિકા સંબંધો વધુ મજબૂત બન્યા હોવાનો દાવો
નવી દિલ્હી
ભારતના મેઘાવી વિદેશ મંત્રી એસ.જયશંકરે સ્પષ્ટત: કહ્યું હતું કે ભારત અમેરિકા સંબંધો માત્ર ડોનાલ્ડ ટ્રમ્પના સમયથી વિકસ્યા ન હતા, તે બિલ ક્લિન્ટનના સમયથી વિકસ્યા હતા.
સાથે તે પણ સત્ય છે કે ટ્રમ્પનાં સમયમાં થોડા મતભેદો હોવા છતાં ભારત-અમેરિકા સંબંધો વધુ મજબૂત બન્યા હતા.
૯મા રાયસીના ડાયલૉગ દરમિયાન, સંઘર્ષ, સ્પર્ધા, સહકાર અને રચનાત્મકતા નામક યોજાયેલા ૫૧ સંવાદમાં બોલતાં તેઓએ કહ્યું : ૨૦૧૭થી ૨૦૨૧ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ પદે હતા તે સમયે અમારે બહુ જ સારા સંબંધો તેમની સાથે હતા. તેઓ અહીં મુલાકાતે પણ આવ્યા હતા, મારા વડાપ્રધાન (મોદી) અમેરિકાની પણ મુલાકાતે ગયા હતા. ટ્રમ્પના શાસનકાળ દરમિયાન આપણા સંબંધો ઊંડા ગયા હતા. તેવિકસ્યા હતા ? હા ! હકીકતમાં તેમ જ બન્યું હતું તેમ પણ જયશંકરે કહ્યું.
૨૦૨૦માં ટ્રમ્પ ભારત આવ્યા હતા, એક રેલીને પણ સંબોધન કર્યું હતું. ગુજરાતનાં મોટેરા સ્ટેડીયમમાં તે રેલી યોજાઈ હતી ત્યારે તેઓએ (ટ્રમ્પે) કહ્યું હતું કે ‘અમે હંમેશાં આ ભવ્ય મહેમાનગતિ સંભારીશું.’ આ સાથે વિદેશ મંત્રીએ કહ્યું : ‘માત્ર ટ્રમ્પને લીધે જ સંબંધો વિકસ્યા ન હતા, વાસ્તવમાં બિલ ક્લિન્ટનના સમયથી જ એક પછી એક પ્રમુખ આવતા ગયા અને સંબંધો વિકસતા ગયા.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ અત્યારે અનેક અવરોધો છતાં પ્રમુખપદની ચૂંટણી લડી રહ્યા છે. તેઓ વિજયી થશે તેમ માનવામાં આવે છે.’
આ સાથે વિદેશ મંત્રીએ ફ્રી ટ્રેડ-એગ્રીમેન્ટ (એફટીમે)નો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આ કરારોથી બંને દેશોના વ્યાપારમાં વૃદ્ધિ થશે તેથી ઉદ્યોગોને ફાયદો થશે. ઉદ્યોગો વધતાં રોજગારી પણ વધશે. આમ એફ.ટી.એ. દ્વારા બહુવિધ લાભ થવાના છે.
ભારત-ઇંગ્લેન્ડ સંબંધોનો ઉલ્લેખ કરતાં, સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું હતું કે ‘હેલ્થ કેર ક્ષેત્રે’ ભારતના ઉદ્યોગોએ સાધેલી પ્રગતિ તેમજ આઈ.ટી.ક્ષેત્ર પણ તેણે સાધેલી પ્રગતિને લીધે તે બંને ક્ષેત્રે ઇંગ્લેન્ડની બજારમાં પદાર્પણ કરી શક્યા છે. કેટલાંક ઉત્પાદનો ઉપર તો શૂન્ય કસ્ટમ્સ ડયુટી છે. આમ છતાં ઇંગ્લેન્ડ તેની કેટલીયે બનાવટો ઉપરની આયાત-ડયુટી ઘટાડવાનો આગ્રહ રાખે છે. જેવી કે સ્કોચ-વ્હીસ્કી, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, ઘેટાંનું માંસ, ચોકલેટ અને કેટલીક કન્ફેકશનરી આઈટમ. આ ઉપરાંત ઇંગ્લેન્ડ ભારતમાં કેટલાંક ક્ષેત્રોમાં તેની સેવાઓ વધારવા માગે છે, જેવી કે સંચાર ક્ષેત્રની સુવિધાઓ કાનૂની અને નાણાંકીય તેમજ બેન્કીંગ અને ઇન્સ્યુરન્સ ક્ષેત્ર માટે પણ તે સુવિધાઓ માગી રહ્યું છે.
આ સાથે સુબ્રમણ્યમ જય શંકરે પોતાનાં વક્તવ્યમાં ચીનનો ઉલ્લેખ કરતાં તેને સમયની ચેતવણી પણ ઉચ્ચારી હતી. તે સર્વવિદિત છે કે ભારતને યુ.એન.એસ.સી. (સલામતી સમિતિ)માં કાયમી પદ મળવા સામે, ચીન સતત વિરોધ કરી રહ્યું છે. તેને કઠોર સંદેશો આપતાં તેઓએ કહ્યું હુતં કે તમો ત્યાં વીટો વાપરી શકો, પરંતુ ભારતને ક્વોડ જૂથમાં જોડાવા ઉપર વીટો વાપરી શકો જ નહીં. ભારતની મહેચ્છાઓ ઉપર પણ વીટો વાપરી શકો નહીં. તે સર્વવિદિત છે કે અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત તેમ ચાર દેશોનાં બનેલો સમુહ ચીન માટે ચિંતારૂપ બની ગયો છે.