બંધ દરમિયાન લોકો ઘરની બહાર નીકળીને માતા ગાયના નામ પર 10 મિનિટ સુધી ભજન કરશે
વારાણસી
ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કાશીમાં મોટું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા 75 વર્ષમાં અમે ઘણી બધી સરકારો જોઈ છે પરંતુ આજ સુધી ગૌ હત્યા પર પ્રતિબંધ લાદવામાં નથી આવ્યો. દુર્ભાગ્યપૂર્ણ છે કે જે દેશમાં ગીતા, ગાય અને ગંગાને માતાનો દરજ્જો આપવામાં આવે છે ત્યાં આજ સુધી ગૌ હત્યા રોકવા માટે કોઈ કડક કાયદો બનાવવામાં નથી આવ્યો. તેથી ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે અમે પદયાત્રા કરીશું અને ગૌહત્યાના વિરોધમાં 10 માર્ચે સવારે 10:00 વાગ્યાથી આગામી 10 મિનિટ માટે ભારત બંધનું એલાન પણ કરવામાં આવ્યું છે.
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, ગાય આપણી માતા છે અને તેની સાથે અમાનવીય વ્યવહાર બંધ નથી થયો. જેના કારણે અમે તમામ સંતો અને હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો અપાવવા માટે અમારો સંઘર્ષ સતત ચાલુ છે, અમે આ માટે પદયાત્રા પણ કાઢી રહ્યા છીએ. આ ઉપરાંત એક મોટું એલાન કરવા માંગીએ છીએ કે, 10મી માર્ચે સવારે 10:00 વાગ્યે 10 મિનિટ માટે ભારત બંધ રહેશે. આ દરમિયાન લોકો ઘરની બહાર નીકળીને માતા ગાયના નામ પર 10 મિનિટ સુધી ભજન કરશે. અમે દેશના કોઈપણ પ્રકારના આર્થિક નુકસાનના પક્ષમાં નથી તેથી આ વિરોધ રૂપી આ ભારત બંધ માત્ર 10 મિનિટ ચાલશે. આ માટે તેમણે દરેકને આગળ આવવાનું આહવાન કર્યું છે.
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે એલાન કરતા એ પણ કહ્યું કે, આ વખતે આગામી લોકસભા ચૂંટણી 2024માં અમારું સમર્થન માત્ર એ જ પક્ષને રહેશે જે ગૌહત્યાના વિરોધમાં હશે અને આ માટે અમે 100થી વધુ પક્ષોને શપથ પત્ર પણ મોકલી આપ્યા છે. ત્રણ પક્ષોએ તેના પર હસ્તાક્ષર કરીને અમને પોતાનું સમર્થન પણ આપ્યું છે. એનડીએ ગઠબંધન હોય કે ઈન્ડિયાગઠબંધન હોય કે અન્ય કોઈ પક્ષ હોય જ્યાં સુધી તેઓ ગૌહત્યા વિરુદ્ધ અવાજ ઉઠાવે અને આ શપથ પત્ર પર હસ્તાક્ષર ન કરે ત્યાં સુધી તેમને અમારું સમર્થન નહીં મળશે.
તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ગૌહત્યા રોકવા માટે કડક કાયદો બનાવવામાં આવે અને આપણી આદરણીય ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે. આ ઉપરાંત અમે ગૌ હત્યાના વિરોધ વાળા વિચારધારા ધરાવતા લોકો સાથે ગૌ ગઠબંધન કરીશું. જ્ઞાનવાપી મામલે તેમને સવાલ કર્યો ત્યારે શંકરાચાર્યએ હાઈકોર્ટના નિર્ણયને આવકાર્યો અને કહ્યું કે વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશને મુસ્લિમ પક્ષે હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે વ્યાસ ભોંયરામાં પૂજા-અર્ચના ચાલુ રહેશે. અમે આ નિર્ણયને આવકારીએ છીએ.