તેણે ભારતીય કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધો છે, હવે તેનો ટાર્ગેટ વિરાટ કોહલી છે
નવી દિલ્હી
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમના સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલે બેટ વડે ધૂમ મચાવી છે. તે આ ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટર છે. યશસ્વી જયસ્વાલે માત્ર 4 મેચમાં 600થી વધુ રન બનાવ્યા છે. જેમાં 2 બેવડી સદી પણ સામેલ છે. આ સાથે જયસ્વાલે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પણ કમાલ કરી છે. તાજેતરમાં આઈસીસી દ્વારા જાહેર કરેલી ટેસ્ટ રેન્કિંગમાં જયસ્વાલને બે સ્થાનનો ફાયદો થયો છે. તે 12મા નંબરે પહોંચી ગયો છે. આ સાથે જ તેણે ભારતીય કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. હવે તેનો ટાર્ગેટ વિરાટ કોહલી છે.
યશસ્વી જયસ્વાલ 727 રેટિંગ પોઈન્ટ સાથે ટેસ્ટ રેન્કિંગમાં 12મા સ્થાને આવી ગયો છે. આ સાથે જ કોહલીને 2 સ્થાનનું નુકસાન થયું છે. કોહલી 744 રેટિંગ પોઈન્ટ સાથે 9મા નંબર પર આવી ગયો છે. જો આગામી કેટલીક મેચોમાં યશસ્વીનું વર્તમાન ફોર્મ ચાલુ રહેશે તો તે કોહલીને પાછળ છોડી શકે છે. કોહલી હાલમાં ભારતનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રમાંકિત બેટર છે અને ટોપ-10માં એકમાત્ર ભારતીય છે. ગિલ ચાર સ્થાન આગળ વધીને 31મા સ્થાને જ્યારે જુરેલ 31 સ્થાન આગળ વધીને 69મા સ્થાને પહોંચી ગયો છે. આ બંને ખેલાડીઓએ ચોથી ટેસ્ટમાં 72 રનની અણનમ ભાગીદારી કરીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
જો રૂટે ભારતની બીજી ઇનિંગ દરમિયાન જયસ્વાલની વિકેટ લીધી હતી, જેના પછી તે ટેસ્ટ ઓલરાઉન્ડરોની યાદીમાં ત્રણ સ્થાનની છલાંગ લગાવીને ચોથા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે રવિન્દ્ર જાડેજા હજુ પણ ટોપ પર છે. ચોથી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો હોવા છતાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં ટોપ પર યથાવત છે. કુલદીપ યાદવે ઈંગ્લેન્ડ સામે બીજી ઈનિંગમાં 4 વિકેટ ઝડપી 10 સ્થાનની છલાંગ લગાવીને 32મા સ્થાને પહોંચી ગયો છે. આ તેના કરિયરની નવી ટોપ રેન્કિંગ છે.