અન્ય એક કિસ્સામાં 17 વર્ષના વિદ્યાર્થી પર પણ આવો જ આરોપ મુકવામાં આવ્યો હતો અને તેને પણ કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે
ઈસ્લામાબાદ
પાકિસ્તાનમાં વોટસએપ પર ધાર્મિક લાગણી દુભાય તેવો મેસેજ મુકવાના આરોપસર એક વિદ્યાર્થીને મોતની સજા ફટકારવામાં આવી છે.
પંજાબ પ્રાંતની એક કોર્ટે આ ચુકાદો આપ્યો છે અને તેમાં કહેવામાં આવ્યુ છે કે, 22 વર્ષના વિદ્યાર્થીએ ધાર્મિક લાગણી દુભાય તેવા વિડિયો અને તસવીરો વોટસએપ પર શેર કરી હતી.
અન્ય એક કિસ્સામાં 17 વર્ષના વિદ્યાર્થી પર પણ આવો જ આરોપ મુકવામાં આવ્યો હતો અને તેને પણ કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે. આ વિદ્યાર્થી સગીર વયનો હોવાથી મોતની સજામાંથી બચી ગયો છે.
પાકિસ્તાનમાં ધાર્મિક લાગણી દુભાવવા સામેના કાયદામાં ફાંસીની સજાની જોગવાઈ છે. જોકે આ દેશમાં છાશવારે આવા મામલામાં લોકોનુ ટોળુ જ આરોપીને જાહેરમાં માર મારીને મોતને ઘાટ ઉતારી દેતુ હોય છે.
ઉલ્લેખનીય છે કે, આ બંને વિદ્યાર્થીઓ સામે 2022માં ફરિયાદ કરવામાં આવી હતી અને ફરિયાદ કરનારાએ કહ્યુ હતુ કે, મને ત્રણ અલગ અલગ મોબાઈલ નંબરો પરથી અપમાનજનક ધાર્મિક તસવીરો અને વિડિયો મળ્યા હતા.
જોકે આરોપી વિદ્યાર્થીઓના વકીલનુ કહેવુ છે કે વિદ્યાર્થીઓને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે. આ પૈકી જે વિદ્યાર્થીને મોતની સજા અપાઈ છે તેની સામે તેના પિતા લાહોર હાઈકોર્ટમાં અપીલ કરશે.
પાકિસ્તાનમાં એક હિન્દુ શિક્ષકને પણ આ જ પ્રકારના આરોપમાં પાંચ વર્ષ સુધી જેલમાં રહેવુ પડ્યુ હતુ અને કોર્ટે તાજેતરમાં પૂરાવાના અભાવે આ શિક્ષકને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો હતો.
ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ખ્રિસ્તી પરિવારના બે ભાઈઓ પર ધાર્મિક ટિપ્પણી કરવાના આરોપ મુકાયો હતો અને રોષે ભરાયેલા લોકોએ ખ્રિસ્તી સમુદાયના 80 લોકોના ઘરોમાં અને 19 ચર્ચોમાં તોડફોડ કરી હતી.