વીડિયોમાં જોઈ શકાય છે કે હરદીપ સિંહ નિજ્જર ગુરુદ્વારાના પાર્કિંગમાંથી બહાર આવે છે ત્યારે તેમની કારની નજીક એક સફેદ કાર ઉભી રહે છે, જેમાંથી બે હુમલાખોરો દ્વારા ફાયરિંગ કરાય છે
ટોરેન્ટો
ગયા વર્ષે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરી દેવામાં આવી હતી. હવે નિજ્જરની હત્યાનો કથિત વીડિયો સામે આવ્યો છે, જેમાં હુમલાખોરો નિજ્જરને ગોળી મારીને ભાગતા જોવા મળી રહ્યા છે. નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી.
નિજ્જરની હત્યાના કથિત વીડિયોમાં જોઈ શકાય છે કે ઘટનાના દિવસે હરદીપ સિંહ નિજ્જર ગુરુદ્વારાના પાર્કિંગમાંથી બહાર આવે છે ત્યારે તેમની કારની નજીક અચાનક એક સફેદ કાર ઉભી રહે છે, જેમાંથી બે હુમલાખોરો દ્વારા હરદીપ સિંહ નિજ્જર પર ફાયરિંગ કરવામાં આવે છે. નિજ્જર પર ફાયરિંગ કર્યા બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યાં નિજ્જરની હત્યા કરવામાં આવી હતી ત્યાંથી થોડે દૂર બે યુવકો ફૂટબોલ રમતા હતા. ગોળીનો અવાજ સાંભળતા જ બંને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ વીડિયો કેનેડાના એક મીડિયા હાઉસે જાહેર કર્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે.
ભારતના મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડાના સરેમાં 2023ની જૂનમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર કથિત હત્યાનો આરોપ લગાવ્યો હતો. આ નિવેદન બાદ ભારત અને કેનેડાના સંબંધમાં કડવાશ આવી ગઈ હતી અને આ મામલો બંને દેશો વચ્ચે વિવાદનું કારણ બની ગયો હતો.