યુએસએમાં ભણવાનો ખર્ચ ઘણો વધારે આવે છે, પરંતુ તેની સામે સારી જોબ મળવાની શક્યતા પણ વધુ રહે છે
નવી દિલ્હી
ભારતીયો અમેરિકાને ફોરેન એજ્યુકેશન માટે સૌથી વધુ પસંદ કરે છે અને લેટેસ્ટ આંકડા આ વાતની સાબિતી આપે છે. અમેરિકન યુનિવર્સિટીઓમાં ભારતીય સ્ટુડન્ટન્સની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ભારતીયો માટે તકલીફ શરૂ થઈ તેના કારણે ઘણા સ્ટુડન્ટ હવે અમેરિકા તરફ વળ્યા છે. યુએસએમાં ભણવાનો ખર્ચ ઘણો વધારે આવે છે, પરંતુ તેની સામે સારી જોબ મળવાની શક્યતા પણ વધુ રહે છે.
ઉદાહરણ તરીકે પ્રણય કરકલે નામનો એક સ્ટુડન્ટ હાલમાં અમેરિકામાં માસ્ટર ડિગ્રી કરી રહ્યો છે. પ્રણયે આ માટે ઘણા વર્ષો સુધી બચત કરી હતી અને ત્યાર પછી 60 હજાર ડોલરની સ્ટુડન્ટ લોન લીધી હતી. તે કહે છે કે મારા ઘણા સગાએ પોતાની જમીન અને મકાનો વેચીને પોતાના સંતાનોને અમેરિકા ભણવા મોકલ્યા છે. હું મારી જાતને નસીબદાર માનું છું.
પ્રણય કહે છે કે તેને જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીમાં એડમિશન મળી જાય તે માટે સખત મહેનત કરશે. તેનાથી તેના માટે સારી જોબ મેળવવાના માર્ગ ખુલી જશે. ભારતમાં જે પગાર શક્ય જ નથી તે પગાર મને અમેરિકામાં મળી શકશે.
ભારતમાંથી દર વર્ષે લગભગ 15 લાખ યુવાનો વિદેશમાં એજ્યુકેશન માટે જાય છે. 2012ની સાથે સરખાવવામાં આવે તો વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા આઠ ગણી વધી ગઈ છે. તેમાં સૌથી વધુ સ્ટુડન્ટ અમેરિકા જાય છે. કેનેડામાં આ વર્ષે ભારતીય સ્ટુડન્ટની સંખ્યા ઘટી છે અને તેનો ફાયદો અમેરિકાને થયો છે.
ડલ્લાસ ખાતે યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં ઘણા ભારતીય સ્ટુડન્ટ જોવા મળે છે. અહીં છેલ્લા ચાર વર્ષમાં ચાઈનીઝ સ્ટુડન્ટની સંખ્યા 1200થી ઘટીને 400 થઈ છે. પરંતુ ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 3000થી વધીને 4400 થઈ ગઈ છે. રાજશ્રી નામની યુવતી ભારતથી અમેરિકા માસ્ટર્સ ડિગ્રી માટે આવી છે અને બિઝનેસ એનાલિટિક્સનો અભ્યાસ કરે છે. તેણે 40,000 ડોલરની ટ્યુશન ફી માટે એજ્યુકેશન લોન લીધી છે. રાજશ્રી કહે છે કે આ લોન મારા માટે ભવિષ્યના રોકાણ સમાન છે. ભારતમાં અમે બીજી કોઈ પણ ચીજ કરતા એજ્યુકેશનને વધારે વેલ્યૂ આપીએ છીએ.
ભારતમાં ઘણી જગ્યાએ અમેરિકન યુનિવર્સિટીઓ એજ્યુકેશન ફેર યોજે છે અને સ્ટુડન્ટને આકર્ષવા માટે પ્રયાસ કરે છે. હવે તો નાના શહેરોમાં પણ અમેરિકન યુનિવર્સિટીના માણસો કાર્યક્રમો યોજે છે અને સ્ટુડન્ટનો કોન્ટેક્ટ કરવા પ્રયાસ કરે છે. જોકે, અમેરિકા પહોંચીને ભણવું એટલું સરળ નથી. ઘણા ભારતીય વિદ્યાર્થીઓની વિઝા એપ્લિકેશન રિજેક્ટ કરી દેવામાં આવે છે.
ગયા શુક્રવારે અમેરિકન એમ્બેસીમાં વિઝા ઈન્ટરવ્યૂ આપીને બહાર નીકળેલી ડેઈઝી નામની યુવતીએ કહ્યું કે તેના વિઝા રિજેક્ટ થયા છે. ડેઈઝીએ કેલિફોર્નિયાની વેસ્ટક્લિફ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. વિઝા માટે તેણે કેટલાય અઠવાડિયા તૈયારી કરી હતી અને એક એજન્સીની મદદ પણ લીધી હતી. છતાં અમેરિકાએ તેને વિઝા નથી આપ્યા. વિઝા શા માટે રિજેક્ટ થયા તેનું કારણ પણ આપવામાં નથી આવ્યું.
ડેઈઝી 22 વર્ષની છે. તેને આશા છે કે ભવિષ્યમાં તે અમેરિકામાં ભણીને ભારત આવશે ત્યારે પરિવારને સપોર્ટ કરી શકશે. ડેઈઝીના પિતા પંજાબમાં એક પેટ્રોલ પંપ ચલાવે છે. ડેઈઝી માંડ માંડ પોતાના આંસુ રોકતા કહે છે કે તે ફરીથી વિઝા ઈન્ટરવ્યૂ માટે તૈયારી કરશે અને એપ્લિકેશન કરશે.
ભારત અત્યારે દુનિયામાં સૌથી ઝડપથી ગ્રોથ કરતા દેશોમાં સામેલ છે. પરંતુ ભારતમાં જોબલેસ ગ્રોથ થઈ રહ્યો છે. એટલે કે આર્થિક વિકાસની સામે જોબની સંખ્યા ઓછી છે, પગારધોરણ નીચા છે અને જોબની કોઈ સિક્યોરિટી નથી.