મહિલા હેલ્પલાઈન અભયમ 181ના કાઉન્સેલરે છોકરી સાથે વાત કરી ત્યારે ચોંકાવનારી વાત સામે આવી
અમદાવાદ
મોબાઈલ અને ઈન્ટરનેટના જેટલા ફાયદા છે તેટલા જ ગેરફાયદા પણ છે. મોબાઈલ આવતાં લોકોની જિંદગીમાં સુગમતા આવી અને સોશિયલ મીડિયાએ દુનિયાને જાણે મુઠ્ઠીમાં કરી લેવાની તાકાત આપી. હવે તો સોશિયલ મીડિયાનું ઘેલું લોકોને એટલું લાગ્યું છે કે, જીવનની નાનામાં નાની વાત તેઓ વર્ચ્ચૂઅલ વર્લ્ડમાં શેર કરી દેવા માગે છે. ખાસ કરીને કિશોર વયના બાળકો અને યુવાનો પરિવારના સભ્યોથી દૂર થઈને ઓનલાઈન ફ્રેન્ડ્સમાં રચ્યાપચ્યા રહે છે. જેના કારણે તેમના માટે એક ક્ષણ પણ મોબાઈલથી દૂર રહેવું મુશ્કેલ બની ગયું છે. બાળકો પણ આજકાલ તો મોબાઈલ સ્ક્રીન સામે ચોંટેલા રહે છે અને જો મા-બાપ તેમને સહેજ ધમકાવીને ફોન લઈને લે તો તેઓ રોકકળ કરી મૂકે છે. પરંતુ એવો કિસ્સો સામે આવ્યો છે જે વાંચીને શરીરમાંથી લખલખું પસાર થઈ જશે.
પશ્ચિમ અમદાવાદમાં રહેતા 45 વર્ષીય કોમલ પરમાર (નામ બદલ્યું છે)ને ખાંડના ડબ્બામાંથી અવારનવાર જંતુનાશક દવાનો પાઉડર અને બાથરૂમના ફર્શ પર ફિનાઈલ જેવું પ્રવાહી ઢોળાયેલું જોવા મળતું હતું. વારંવાર આ વસ્તુઓ જોઈને તેમને નવાઈ લાગતી અને ક્યાંથી આવતું તેનો વિચાર કરતા હતાં. થોડો સમય નિરીક્ષણ કર્યા પછી તેમને માલૂમ થયું કે, તેમની 13 વર્ષની દીકરીનું કારસ્તાન હતું. કોમલ પરમારની દીકરીએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. થોડા દિવસ તો કોમલબેને આ બાબતને અવગણી પરંતુ તેમની દીકરી ના સુધરતાં છેવટે તેમણે અભયમ હેલ્પલાઈનની મદદ લીધી.
મહિલા હેલ્પલાઈન અભયમ 181ના કાઉન્સેલરે છોકરી સાથે વાત કરી ત્યારે ચોંકાવનારી વાત સામે આવી હતી. 13 વર્ષનું બાળક આટલી હદ સુધી ક્રૂર કઈ રીતે બની જાય તે વિચાર મગજમાંથી ખસી ના શકે તેવો છે. કાઉન્સેલરે જણાવ્યું કે, “છોકરી સાથે વાત કરતાં અમને ખબર પડી કે તે તેના માતાપિતાને હાનિ પહોંચાડવા માગતી હતી. છોકરી ઈચ્છતી હતી કે તેના માતાપિતા જંતુનાશક દવાવાળી ખાંડ ખાઈ લે અથવા તો લપસી પડાય તેવા ફ્લોર પર પગ પડે અને તેઓ પડી જાય ને માથામાં ઈજા થાય. અમને જાણવા મળ્યું કે, થોડા દિવસ પહેલા બાળકીની મમ્મીએ તેની પાસેથી ફોન લઈ લીધો હતો અને પાછો આપવાની ના પાડી હતી. ત્યારથી જ બાળકીનું આવું હિંસક રૂપ જોવા મળી રહ્યું છે.
બાળકીના માતાપિતાએ અમને જણાવ્યું કે, તેણી આખી રાત મોબાઈલ પર ઓનલાઈન ફ્રેન્ડ્સ સાથે ચેટિંગ કરવામાં તેમજ સોશિયલ મીડિયા પર રીલ્સ અને પોસ્ટ જોવામાં કાઢતી હતી. જેના કારણે તેના અભ્યાસ અને સામાજિક જીવન પર ખરાબ અસર પડી રહી હતી, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. પોતાની દીકરીનું આવું રૂપ જોઈને મા-બાપ હેબતાઈ ગયા હતા. તેમણે નહોતું વિચાર્યું કે તે આ હદ સુધી જશે. કાઉન્સલરે કહ્યું કે, આ દંપતીને દીકરી લગ્નના 13 વર્ષ બાદ જન્મી હતી એટલે તેને ઉછેરવામાં તેમણે સહેજ પણ કચાશ નહોતી રાખી, તેને હંમેશા હાથમાં ને હાથમાં રાખી હતી. લાડ-પ્રેમનું આવું પરિણામ મળશે તેની આ દંપતીએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી.
અભયમ હેલ્પલાઈનના કો-ઓર્ડિનેટર ફાલ્ગુની પટેલે કહ્યું કે, આવો એકમાત્ર કિસ્સો છે એવું નથી. 2020 કે કોરોના મહામારી પહેલા અમને દિવસના આવા 3-4 ફોન આવતા હતા. પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં સંખ્યા ત્રણથી ચાર ગણી વધી ગઈ છે અને રોજના 12-15 ફોન આવે છે. એટલે કે વર્ષના 5,400 ફોન કોલ્સ આ પ્રકારના આવે છે. સૌથી ચિંતાજનક વાત તો એ છે કે, આવા ફોન બાળકો અને કિશોરોને લઈને કરવામાં આવે છે. કુલ જેટલા ફોન આવે છે તેમાંથી 20 ટકા જેટલા 18 વર્ષથી ઓછી વયના લોકો સંદર્ભે હોય છે. 2019 સુધી એકંદરે આવતા ફોનની સંખ્યામાંથી 1.5 ટકા જેટલા ફોન આવા હતા કારણકે અમારી સાઈકોલોજીકલ હેલ્પલાઈન નથી. પરંતુ છેલ્લા બે વર્ષમાં કુલ આવતા ફોનમાંથી 3 ટકા જેટલા આ પ્રકારની ફરિયાદના હોય છે.
નિષ્ણાતોનું માનવું છે કે, કોરોના મહામારી દરમિયાન લોકડાઉનના લીધે બાળકોનો ઓનલાઈન અભ્યાસ શરૂ થયો હતો. પરિણામે મા-બાપે તેમને છૂટથી મોબાઈલ વાપરવાની આઝાદી આપી દીધી હતી. કોરોના કાળ પહેલા બાળકો પાસે પોતાનો ફોન નહોતો અને તેઓ મા-બાપનો વાપરતા હતા. જેમાં તેઓ સોશિયલ મીડિયા કે બીજી કોઈપણ સાઈટ ખોલતા ડરતા હતા કેમકે માતાપિતાની બીક હતી. હવે કિશોર વયના બાળકો ફોનમાં મુખ્યત્વે બે જ વસ્તુઓ કરે છે- ઓનલાઈન ગેમ રમવી અને સોશિયલ મીડિયા વાપરવું, તેમ કાઉન્સેલરનું કહેવું છે.