કોંગ્રેસે સુપ્રીયા શ્રીનેતના સ્થાને લોકસભાની મહારાજગંજ બેઠક પરથી વીરેન્દ્ર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા
નવી દિલ્હી
લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષો ઉમેદાવારોની યાદી બહાર પાડી રહી છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારની આઠમાં યાદી બુધવારે બહાર પાડવામાં આવી હતી. કોંગ્રેસની આઠમી યાદીમાં સુપ્રિયા શ્રીનેતની ટિકિટ કપાઈ છે.
કોંગ્રેસે 2019માં જ્યાથી શ્રીનેતે લોકસભા ચૂંટણી લડી હતી ત્યાંથી વીરેન્દ્ર ચૌધરીને લોકસભા 2024ની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર બનાવ્યા છે. સુપ્રીયા શ્રીનેતે ગત 2019ની લોકસભાની ચૂંટણી ઉત્તર પ્રદેશના મહારાજગંજથી લડી હતી પરંતુ તે ભાજપના પંકજ ચૌધરી સામે હારી ગયા હતા. ઉલ્લેખનીય છે કે સુપ્રીયા શ્રીનેતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કંગના રણૌતની એક તસવીર અને અપમાનજનક કેપ્શન સાથે વાંધાજનક પોસ્ટ કરી હતી, જે બાદ ભાજપના નેતાએ સુપ્રીયા શ્રીનેતનો વિરોધ કર્યો હતો.
આ વિવાદ પછી ચૂંટણી પંચે સુપ્રિયા શ્રીનેતને તેમની વાંધાજનક પોસ્ટ પર કારણ બતાવો નોટિસ જાહેર કરી હતી. આ કારણ છે કે કોંગ્રેસે તેમના સ્થાને મહારાજગંજ બેઠક પરથી વીરેન્દ્ર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે બુધવારે આગામી લોકસભા ચૂંટણી માટે તેની આઠમી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં ચાર રાજ્યો – મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તેલંગાણા અને ઝારખંડ માટે 14 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 208 ઉમેદવારોની જાહેરાત કરી છે.