આરસીબીની બોલર્સ હંમેશા અંદાજીત સ્કોર કરતા વધુ રન આપે છે, બેટર્સ હંમેશા અંડર પરફોર્મ કરે છે
આઈપીએલ 2024માં પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની હાલત છેલ્લી 16 સિઝન જેવી જ જોવા મળી રહી છે. આરસીબીએ આઈપીએલ 2024માં ચાર મેચ રમી છે, જેમાંથી તેને ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આરસીબી તેના હોમ ગ્રાઉન્ડ પર બે મેચ હારી છે, જ્યારે આઈપીએલની આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ સિવાય બાકીની તમામ ટીમો હોમગ્રાઉન્ડ પર રમતા જીતી છે. આરસીબીની આ કારમી હાર પર વાત કરતા અંબાતી રાયડુએ જણાવ્યું કે આરસીબીની ટીમ છેલ્લી 16 સિઝનમાં કેમ નિષ્ફળ રહી છે.
પૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુએ આરસીબી અને એલએસજી વચ્ચે રમાયેલી મેચ બાદ કહ્યું, “આરસીબીની બોલિંગ હંમેશા અંદાજીત સ્કોર કરતા વધુ રન આપે છે અને બેટિંગ હંમેશા અંડર પરફોર્મ કરે છે. તમે જુઓ છો કે આરસીબીના મિડલ ઓર્ડરમાં કોણ બેટિંગ કરે છે. તમારા ભારતીય યુવા બેટર અને એક દિનેશ કાર્તિક. તમારા પ્રખ્યાત ખેલાડીઓ, તમારા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ, જેમણે પ્રેશર લેવું જોઈએ, તે લોકો ક્યાં છે? દરેક વ્યક્તિ ડ્રેસિંગ રૂમમાં છે. આ આજે નથી થઈ રહ્યું, પરંતુ છેલ્લા 16 વર્ષથી આ જ કહાની છે આ ટીમની.”
રાયડુએ આગળ કહ્યું, “જ્યારે દબાણ હોય છે ત્યારે આરસીબીમાં કોઈ મોટો ખેલાડી જોવા મળતો નથી. બધા યુવા ખેલાડીઓ પાછળ રમતા રહે છે અને જેઓ પ્રખ્યાત ખેલાડી છે તે આગળ જઈને રમે છે. તેઓ કેકમાંથી ક્રીમ ખાઈને નીકળી જાય છે. આવી ટીમ ક્યારેય જીતતા નથી. તેથી જ આ લોકો આટલા વર્ષોથી આઈપીએલ જીતી શક્યા નથી.” અંબાતી રાયડુએ ખરેખર સાચો મુદ્દો ઉઠાવ્યો છે કારણ કે આરસીબી પાસે ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલી ઓપનર તરીકે છે. કેમરન ગ્રીન અને ગ્લેન મેક્સવેલ પણ ટોચના 4 અથવા વધુમાં વધુ ટોચના 5માં રમે છે અને અનુજ રાવત અને મહિપાલ લોમરોર જેવા ખેલાડીઓ મિડલ ઓર્ડરમાં રમે છે.